
ભારતમાં એક વર્ષમાં આત્મહત્યા અને ડ્રગ્સના ઓવરડોઝ મુખ્ય કારણે 98.5 લાખ યુવાનોના મોત
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કુલ મૃત્યુદરમાં 67 ટકાની ઘટાડો નોંધાયો છે, પરંતુ યુવા વર્ગમાં મૃત્યુના આંકડા ઘટવાને બદલે ચિંતાજનક રીતે સ્થિર રહ્યા છે. તેનું મુખ્ય કારણ આત્મહત્યા, ડ્રગ્સનું ઓવરડોઝ અને વધુ પ્રમાણમાં દારૂનું સેવન હોવાનું જાણવા મળે છે. આ માહિતી ‘દ લાન્સેટ’ જર્નલમાં પ્રકાશિત વૈશ્વિક અભ્યાસમાં સામે આવી છે. આ અભ્યાસ ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ (GBD) 2023નો ભાગ છે, જેમાં 3.10 લાખથી વધુ સ્ત્રોતો અને 14,000થી વધુ નિષ્ણાતોના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
2023માં ચીનમાં 1.07 કરોડ યુવાનોના મોત નોંધાયા હતા, જ્યારે ભારતમાં 98.5 લાખ અને અમેરિકામાં 30 લાખથી વધુ યુવાનોના મોત થયા હતા. જો કે વસ્તી મુજબ મૃત્યુદર જોવામાં આવે તો ભારત 73મા ક્રમે, ચીન 166મા અને અમેરિકા 160મા ક્રમે છે. એટલે કે ભારતમાં કુલ મૃત્યુ વધુ હોવા છતાં પ્રતિ વ્યક્તિ મૃત્યુદર ચીન અને અમેરિકાથી ઓછો રહ્યો. અભ્યાસમાં વધુમાં જાણવા મળ્યું કે કોવિડ-19થી સૌથી વધુ 30 લાખ મોત ભારતમાં થયા હતા, જ્યારે અમેરિકામાં 12.1 લાખ અને રશિયામાં 10 લાખથી વધુ લોકોના જીવ ગયા હતા. આ આંકડા મુજબ ભારત કોવિડ-19થી જોડાયેલી સૌથી વધુ મૃત્યુ ધરાવતા પાંચ દેશોમાં પ્રથમ ક્રમે છે.
ભારતમાં આત્મહત્યાના વધતા બનાવોને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યાં છે. તેમજ તણાવમાંથી પસાર થતા લોકોને જરુરી કાઉન્સિલીંગ મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સના દુષણને ડામવા માટે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ડ્રગ્સને લઈને સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.