સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ
રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવનધરાએ સમય-સમયે અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે, જેઓ ઈશ્વરની ભેટ છે. આ મહાપુરુષો સમગ્ર સમાજને નવી દિશા આપે છે. અન્ય વ્યક્તિઓના દુઃખને પોતાના દુઃખ માની સમાજની પ્રગતિ માટે કાર્યો કરનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ સૌરાષ્ટ્રના ટંકારામાં થયો હતો. તેમણે સ્વભાષા, સ્વદેશી અને નારી ઉત્થાનના ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપ્યું છે. તે સમયે બહેનો-દીકરીઓ માટે અનેક કુપ્રથાઓ હતી. તેવા સમયે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:”ની દિશામાં નવતર કાર્યો કર્યા હતા. વૈદિક ધર્મના પુનરુત્થાન અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે તેમણે વર્ષ ૧૮૭૫માં આર્યસમાજની સ્થાપના કરી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ પરિવર્તનકારી અભિગમ અપનાવ્યો હતો અને નાના-મોટા ૪૦ જેટલા ગ્રંથોની રચના કરી હતી.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદજીએ આપણને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને નવીનતા સાથે જોડીને પ્રગતિવાદી વિચારો આપ્યા હતા. તેમણે ઋષિઓ પાસેથી પ્રાપ્ત થયેલી વૈદિક સંસ્કૃતિને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. ગાંધીજીના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા, ગોખલેજીના ગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા હતા અને શ્યામજીકૃષ્ણ વર્માના ગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી હતા. આઝાદીના લડવૈયાઓ દયાનંદજીના વિચારોથી પ્રભાવિત હતા. શ્યામજી કૃષ્ણ વર્માની ભારતમાં અસ્થિ વિસર્જન કરવાની અંતિમ ઈચ્છા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન પૂર્ણ થઈ હતી, જે માટે પ્રધાનમંત્રીને ધન્યવાદ પાઠવું છું.
રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતું કે, અહીં બે દિવસીય પરિસંવાદમાં મહર્ષિ દયાનંદજીના જીવનમૂલ્યોનું ચિંતન-મંથન થશે. મહર્ષિજીની જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે. ત્યારે યુવાનોએ તેમના જીવન ઉપર સંશોધન કાર્ય કરવું જોઈએ.
કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોશીએ શાબ્દિક સ્વાગતમાં દયાનંદ સરસ્વતીજીના વિચારોને જીવંત રાખવાના હેતુસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. કાર્યકારી કુલસચિવ ડૉ. મહેશભાઈ ધામેચાએ આભારવિધિ કરી હતી.


