
નવી દિલ્હીઃ ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બદલ વિશ્વનાંદેશોની પ્રશંસા કરી છે. હરીશે તાત્કાલિક અને સંગઠિત પગલાં લેવાની માગણી કરતા જણાવ્યું કે, વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ત્રાસવાદ ગંભીર પડકાર છે અને સાઇબર, દરિયાઇ અને અવકાશ ક્ષેત્ર સંઘર્ષનાં નવાં ક્ષેત્રો તરીકે ઉભરી આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રનાં મજબૂતીકરણ અંગે સામાન્ય સભાને સંબોધતા શ્રી હરીશે વિકાસશીલ દેશો વતી ભારતની અગ્રણી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સંધિ ભારતને 2047 સુધીમાં વિક્સિત રાષ્ટ્ર બનાવવાનાં ભારતનાં વિઝનને અનુરુપ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના અનેક દેશો આતંકવાદી પ્રવૃતિઓનો સામનો કરી રહ્યાં છે. ભારતે યુએન સહિત અનેક મંચ ઉપરથી આતંકવાદ અને તેના પડકારોનો ઉલ્લેખ કરીને તમામ દેશોને સાથે મળીને આતંકવાદને ડામવા અપીલ કરી છે.