
- ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી,
- શહેરના 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા તપાસ,
- લાભાર્થીઓ મકાનોને બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા હતા
અમદાવાદઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા વર્ગના મકાન વિહોણા લોકોને સસ્તાદરે મકાનો આપવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓ બનાવીને લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા છે. હવે આવાસ યોજનામાં કેટલાક ફ્લેટધારકો સસ્તા દરે મળેલો ફ્લેટ ભાડે આપીને કમાણી કરતા હોય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 21 મકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવીને આપવામાં આવ્યા છે. પરંતુ તેના લાભાર્થીઓએ આ મકાનોને કોઈ બીજાને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગ દ્વારા આવા ગેરકાયદે રહેતા 174 લોકોને નોટિસ ફટકારી છે. જ્યારે 21 મકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.
એએમસીના હાઉસિંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘EWS મકાનો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા છે. તેમાંના કેટલાક લોકો દ્વારા મકાન ગેરકાયદે રીતે લોકોને ભાડે અથવા તો વેચી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવી અને શહેરના અલગ અલગ આવાસ યોજનામાં આવેલા 3,940 મકાનોમાં એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 174 મકાન માલિકોને નોટિસ આપવામાં આવી અને ખુલાસા મંગાવવામાં આવ્યા છે. આ તમામ નોટિસનો યોગ્ય ખુલાસો ન મળતા તેને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. હાલ કુલ 21 મકાનોને અત્યારે સીલ મારવામાં આવ્યા છે. જ્યારે ચેકિંગ કરવામાં આવે છે ત્યારે કેટલાક મકાન માલિકો ઘર બંધ કરીને જતા રહે છે. એટલે ખબર નથી પડતી કે કયા મકાનમાં કોણ રહે છે. જેને લઈને હવે એક સાથે જેટલી વિંગ હોય તેટલી ટીમ બનાવી અને એક સાથે આવાસ યોજનામાં ચેકિંગ કરવા માટેની પણ સૂચના અપાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યવાહી દરમિયાન અમદાવાદના ઉત્તર ઝોનમાં 98 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે, તેમાંથી 4 મકાન સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 550 નોટિસ અને ત્યાં પાંચ મકાનોને સીલ કર્યા છે. પશ્ચિમ ઝોનમાં 9 મકાનને નોટિસ અને 7 મકાનને સીલ કરાયા છે. દક્ષિણ ઝોનમાં 36 મકાનને નોટીસ અને 3 મકાનોની સીલ કરવામાં આવ્યા છે.