રાજકોટ, 22 મે, 2026 : Transport industry in trouble due to severe diesel shortage સૌરાષ્ટ્ર-કચ્છમાં ડીઝલની અછત સર્જાતા ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મોટાભાગના પેટ્રોલ પંપ પર ટ્રકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે કચ્છ જિલ્લામાં સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી હોવાનું ટ્રાન્સપોર્ટ સંગઠનો દાવો કરી રહ્યા છે. ઇંધણ મેળવવા માટે ટ્રક ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે માલ પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને વેપાર-ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવ તાજેતરમાં વધારો કરાયા બાદ પણ સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના પંપ પર પૂરતું ડીઝલ મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. ડીઝલની અછતના કારણે સૌથી મુશ્કેલ સ્થિતિ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની થઈ છે. ડીઝલ મળશે કે નહીં તેની સ્થિતિ સ્પષ્ટ ન હોવાના કારણે ટ્રાન્સપોર્ટર ભાડા લેતા ડરી રહ્યા છે. કચ્છના ટ્રાન્સપાર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
આ અંગે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં ડીઝલ મેળવવા માટે ટ્રાન્સપોર્ટરોને ભારે મુશ્કેલી પડી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પંપ પરથી માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે ટ્રકમાં 50 લીટર ડીઝલ આપે તો એ 150-200 કિલોમીટર સુધી ચાલી શકે પછી આગળ ક્યાં અને ક્યારે ડીઝલ કેટલું મળે તેનું કંઈ નક્કી રહેતું નથી. માટે હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર યુદ્ધની ખુબ મોટી અસર થવાની શરૂઆત થઇ ચુકી છે. ટ્રાન્સપોર્ટમાં માલ લાવવા મોકલવા પર ટ્રાન્સપોર્ટરોએ કોઈ ભાવ વધારો હજુ સુધી કર્યો નથી. કારણ કે હાલમાં ડીઝલ પૂરતું ન મળવા કારણે ટ્રકો આગળ મોકલી શકતા નથી. આ સ્થિતિ માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ સર્જાઈ રહી છે આના માટે સરકારે ચોક્કસ કોઈ વિચારણા જરૂર કરવી પડશે.
ટ્રક ઓપરેટરો HP, BPCL અને IOC માંથી પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. નાયરા એ મોટા ભાગની જગ્યાએ વેચાણ બંધ કરી દીધું છે. રાજકોટમાં 1200 ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે અને 5000 કોમર્શિયલ વાહનો એકલા રાજકોટમાં જ છે જેમાંથી 50% વર્કિંગ છે અને 50% ઓફ રોડ થઇ ગયા છે. આવીને આવી પરિસ્થિતિ રહેશે તો લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સતાવી રહી છે.


