ગાંધીનગર, 22 મે, 2026 : Craftsman dies after Harrier car crashes into wall શહેરના સેક્ટર- 28 GIDCમાં આવેલા ટાટા મોટર્સના હરસોલિયા સર્વિસ સેન્ટર ખાતે કારીગર કામ કરી રહ્યો હતો. ત્યારે સર્વિસ માટે આવેલી ટાટા હેરિયર કારને રેમ્પ પરથી ઉતારીને અન્ય કારીગર ટ્રાયલ લેવા જતા હેરીયરકાર દીવાલ સાથે અથડાતા કારીગર દીવાલ અને કાર વચ્ચે દબાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સર્વિસ સેન્ટરમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના પોસ્ટમોટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સેક્ટર- 28 GIDCમાં આવેલા ટાટા મોટર્સના હરસોલિયા સર્વિસ સેન્ટરમાં મહુદ્રા ગામનો વતની 19 વર્ષીય સાહિલ મનીષજી ઠાકોર કારીગર તરીકે ફરજ બજાવતો હતો. સર્વિસ સેન્ટરમાં ટાટા હેરિયર કાર સર્વિસ માટે આવી હતી.ત્યારે તેને રેમ્પ પર ચઢાવીને રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સાહિલ રેમ્પની સામેની બાજુએ બેસીને કામ કરી રહ્યો હતો. તે સમયે જ બીજા એક કારીગરે રેમ્પ પર રહેલી હેરિયર કાર નીચે ઉતારી હતી. અને એ સમયે કારીગરે અચાનક કોઈ કારણસર કાર પૂરઝડપે હંકારી મૂકતા સાહિલ જે દીવાલ પાસે બેસીને કામ કરી રહ્યો હતો તે દીવાલ અને કારની વચ્ચે સાહિલ આવી ગયો હતો. કારની ગતિ એટલી તેજ હતી કે સાહિલને સંભાળવાનો પણ મોકો મળ્યો નહોતો અને તે કાર અને દીવાલ વચ્ચે જોરદાર રીતે કચડાઈ ગયો હતો.
આ ઘટનાને પગલે સર્વિસ સેન્ટરમાં કામ કરતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાહિલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ સેકટર 21 પોલીસ મથકના એએસઆઈ હરેન્દ્રસિંહ સહિતની ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનની અકાળે વિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, કાર હંકારી રહેલા કારીગરની પૂછપરછ અને સર્વિસ સેન્ટરના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


