1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં નજીક બે કાર અને પીકઅપવાન વચ્ચે ત્રિપલ અકસ્માત, બેનાં મોત
ગાંધીનગરમાં નજીક બે કાર અને પીકઅપવાન વચ્ચે ત્રિપલ અકસ્માત, બેનાં મોત

ગાંધીનગરમાં નજીક બે કાર અને પીકઅપવાન વચ્ચે ત્રિપલ અકસ્માત, બેનાં મોત

0
Social Share
  • ગાંધીનગરના સરગાસણ ખ રોડ પર રાત્રે સર્જાયો અકસ્માત
  • હોન્ડા સિવિક કાર ડિવાઈડર કૂદીને અલ્ટોકાર અને પીકઅપ વાન સાથે અથડાઈ
  • ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, ત્યારે વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના સરગાસણ ખ રોડ ઉપર હડમતીયા નજીક ગત રાત્રે  હોન્ડા સિવિક કારમાં સવાર નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર હંકારતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી પસાર થતી અલ્ટો કાર તેમજ પીકઅપડાલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એક કારમાં સવાર એક યુવાન તેમજ વૃદ્ધાનું મોત નીપજ્યું હતુ. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અન્ય ચારેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગાંધીનગરના સેકટર – 26 માં રહેતા અનિલભાઈ નવીનચંદ્ર જાની તેમનાં પત્ની રીટાબેન (ઉ.વ. 53) તેમજ મલેક નાઝમલ અનવરહુસેન (રહે. સરખેજ) ગુરુવારે રાત્રે અલ્ટો કારમાં અમદાવાદથી સેકટર-26 તરફ જઈ રહ્યા હતા. તેમની કાર ‘ખ રોડ’ પરથી પસાર થઇ રહી હતી. જ્યારે સરગાસણ પ્રમુખ એબોર્ડમાં રહેતો મીતેશ ભગવાનભાઈ પટેલ પણ પીકઅપડાલું લઈને સરગાસણ નાયરા પેટ્રોલ પંપથી પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ તરફ જઈ રહ્યો હતો. ત્યારે મહાત્મા મંદિર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિવિક કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદીને અલ્ટો અને પીકઅપડાલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. હોન્ડા સિવિક કારમાં કેવિન હેમલભાઈ ધંધુકીયા અને આર્ય જીગ્નેશભાઈ દવે (બંને રહે. સહજાનંદ શ્લોક, સરગાસણ) સવાર હતા. આ અકસ્માતમાં નબીરાઓની કાર એટલી સ્પીડમાં હતી કે તેમની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સેકટર-7 પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં ઉપરોક્ત તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આર્ય દવે (ઉ. વ.25)ને મૃત જાહેર કર્યો હતો અને ગંભીર ઈજાગ્રસ્ત કેવિનને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ટ્રાન્સ્ફર કર્યો હતો.જ્યારે આ ગંભીર અકસ્માતમાં અનિલભાઈ અને તેમના પત્ની રીટાબેનને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી સેકટર-6ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રીટાબેનનું પણ મોત નીપજ્યું હતું. તેમજ મલેક તેમજ મીતેશને દાખલ કરી સારવાર ચાલી રહી છે. આમ આ ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code