
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ લેવાશે પગલાં
- 3000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા કચરો ફેકનારા સામે નજર રખાશે
- કચરો ફેંકનારા 700 લોકોની ઓળખ કરીને રૂ. 51,000નો દંડ ફટકારાયો
સુરતઃ શહેરના સ્વચ્છ બનાવવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અને કન્ટ્રોલરૂમમાંથી નજર રાખવામાં આવની રહી છે. AI હવે રસ્તાઓ પર ફેંકાયેલા કચરાને પકડી પાડશે અને કચરો ફેંકનારાને તુરંત દંડ ફટકારશે. જો કોઈ વ્યક્તિ કચરો ફેંકતો હોય તો AI તેની ઓળખ પણ કરે છે અને દંડ માટે રિપોર્ટ જનરેટ કરે છે. આ માહિતી SMCના આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, જે પછી દંડ ફટકારવામાં આવે છે.
સુરત શહેરમાં ફરી એકવાર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું પ્રથમ શહેર બની ગયું છે. AI હવે રસ્તાઓ પર ફેંકાયેલા કચરાને પકડી પાડશે અને કચરો ફેંકનારાને તુરંત દંડ ફટકારશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન (SMC)એ સફાઈ વ્યવસ્થાને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે AI આધારિત ઓટોમેટિક કચરો નાખી ગંદકી ફેલાવતા લોકોને પકડવાની સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેક્નોલોજિકલ સિસ્ટમ સુરત ઈન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) સાથે સંકળાયેલું છે, જ્યાં 3000+ CCTV કેમેરા 24×7 શહેરની સફાઈ પર નજર રાખવામાં આવી રહી છે.
એસએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ AI ટેક્નોલોજી CCTV કેમેરાથી લાઈવ ફીડ એકઠી કરે છે. જો કોઈ જાહેર સ્થળે કચરાનો ઢગલો હોય, ગંદકી ફેલાયેલી હોય અથવા કોઈ વ્યક્તિ કચરો ફેંકતી હોય, તો AI તેને તરત જ ઓળખી અને ICCC (ઇન્ટેલિજન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ને જાણ કરે છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને ઓટોમેટિક અલર્ટ મોકલી દે છે. જે વિસ્તારની અંદર કચરો હશે, ત્યાં તુરંત સફાઈ કર્મચારીઓને મોકલી દેવામાં આવે છે અને સફાઈ હાથ ધરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કચરો ફેંકતો હોય તો AI તેની ઓળખ પણ કરે છે અને દંડ માટે રિપોર્ટ જનરેટ કરે છે. આ માહિતી SMCના આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, જે પછી દંડ ફટકારવામાં આવે છે.
મ્યુનિના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં સફાઈ માટે આ નવીન ટેક્નોલોજીનો પ્રયોગ પહેલાંથી જ શરૂ થઈ ગયો છે અને તેનાથી પ્રભાવી પરિણામ મળવા લાગ્યાં છે. AI દ્વારા 2100થી વધુ જગ્યાઓએ કચરાના ઢગલાની ઓળખ થઈ, જેમાં 700 લોકોની ઓળખ કરીને તેઓને રૂ. 51,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જે સ્થળોએ વારંવાર કચરો થાય છે ત્યાં વધુ કેમેરા લગાવવામાં આવશે જેથી કચરો ફેંકનારાઓને ઝડપથી પકડી શકાય.