સુરત, 16 એપ્રિલ 2026: Wife commits suicide by poisoning two daughters શહેરના ડભોલી ગામ વિસ્તારમાં સુમન પ્રતિક આવાસમાં રહેતા પતિ-પત્ની વચ્ચે રસોઈ બાબતે સામાન્ય ઝગડો થયો હતો. ત્યારબાદ પતિ હીરાના કારખાને કામે ગયા બાદ પત્નીએ તેની બે માસુમ દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી. માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે બન્ને દીકરીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામના વતની અને હાલ શુરત શહેરના ડભોલી ગામમાં આવેલી સુમન પ્રતિક આવાસમાં રહેતા જયસુખભાઈ પટેલિયા હીરાના કારખાનામાં કામ કરી 35 વર્ષીય પત્ની મિતલબેન તથા 6 વર્ષની પુત્રી વેનિશા અને 5 વર્ષની પુત્રી આરવીનું ગુજરાન ચલાવતા હતા. જયસુખભાઈના મિતલબેન સાથે 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમની મોટી પુત્રી ખાનગી શાળામાં સી.કેજીમાં અભ્યાસ કરે છે. ગઈકાલે બુધવારે સવારે જયસુખભાઈ નિત્યક્રમ મુજબ કારખાને ગયા હતા. બાદમાં બપોરના સમયે તેઓ પરત ઘરે જમવા આવ્યા હતા. જયસુખભાઈ તેની પત્ની મિતલબેન અને બંને પુત્રીઓ સાથે જમીને પરત કારખાને ગયા હતા. ત્યારબાદ તેની પત્ની મિતલબેને ઘરમાં અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં મિશ્રણ કરી તેમની બંને પુત્રી વેનિશા અને આરવીને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધી હતી. બાદમાં મિતલબેને પતિ જયસુખને ફોન કરી કહ્યું હતું કે “મારે જીવવું નથી” મેં ઝેરી દવા પી લીધી છે.
ઘટનાની જાણ થતા જ પતિએ તાત્કાલિક કાકાના પુત્ર હરીશને જાણ કરી હતી અને તેઓ પણ ઘરે પહોંચી ગયાં હતાં. પછી ત્રણેયને 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મિતલબેનનું સારવાર દરમિયાન મોડીરાત્રે મોત થયું હતું. જ્યારે તેમની બંને પુત્રીને આઇસીયુ વોર્ડમાં દાખલ કરાઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિ જયસુખ અને પત્ની મિતલ વચ્ચે રસોઈ બનાવવાની બાબતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી. આથી પતિ હીરાના કારખાને કામે ગયા બાદ પત્ની મિતલે બન્ને દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી દવા પિવડાવીને પોતે પણ દવા પીધી હતી. જેમાં મિતલબેનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે.


