વડોદરા, 16 એપ્રિલ 2026: Accident between truck and dumper જિલ્લાના સાવલી-સાંકરદા રોડ પર આવેલા સામંતપુરા ગામ પાસે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પરની કેબીનમાં તેનો ચાલક ફસાતા જેસીબીની મદદથી ડમ્પરની કેબીન કાપીને ચાલકને બચાવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સાવલી-સાંકરદા રોડ પર આવેલા સામંતપુરા ગામ પાસે ટ્રક અને ડમ્પર સામસામે ધડાકાભેર અથડાતા ડમ્પર ચાલકનો પગ કેબિનના પતરામાં દબાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ચાલકને બહાર કાઢવો મુશ્કેલ જણાતા સ્થાનિકોએ જેસીબી (JCB) મશીનની મદદ લીધી હતી. જેસીબી દ્વારા કેબિનના ભાગને કાપીને અને ખેંચીને ભારે જહેમત બાદ ચાલકનો ફસાયેલો પગ મુક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને કારણે ડમ્પર ચાલકનો જીવ બચાવી શકાયો છે. આ અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત બન્ને વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવવાની સાથે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


