
- લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ઉમટી પડશે
- કાલે વિશ્વ મહિલા દિન હોવાથી તમામ જવાબદારી મહિલાઓને શીરે
- 3000 મહિલા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અને આવતી કાલે વિશ્વ મહિલા દિન નિમિત્તે નવસારીમાં યોજાનારા લખપતિ દીદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ઉપસ્થિત રહેવાની હોવાથી સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને પોલીસ બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલા અધિકારીઓથી લઈને મહિલા કોન્સ્ટેબલો સંભાળશે. આમ હેલિપેડથી લઈ ડોમ સુધી તમામ સ્થળ પર વુમન પાવર જોવા મળશે,
નવસારીમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે યોજાનારા ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં આવતીકાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યની ‘લખપતિ દીદી’ સહિત કુલ 1,50,000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલાઓના શિરે રહેશે. હેલિપેડથી લઈ ડોમ સુધી તમામ સ્થળ પર વુમન પાવર જોવા મળશે, જે આ કાર્યક્રમની વિશેષતા બની રહેશે.
નવસારીમાં કાલે શનિવારે યાજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી 3000 જેટલી મહિલા પોલીસ કોન્સ્ટેબલો અને મહિલા અધિકારીઓ નિભાવશે., જેમાં 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડીવાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે. સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપૂર્ણા તોરવણે રહેશે. પુરુષ પોલીસકર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની કાબેલિયત સાબિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને તાલીમથી સ્વરોજગાર પામેલી મહિલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી આશરે 1.5 લાખ જેટલી દીદી કાર્યક્રમમાં હાજર રહેશે. તેમને પાર્કિંગથી લઈને ડોમમાં લાવવા સુધીની જવાબદારી પણ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. નવસારીમાં કલેક્ટર અને ડીડીઓ પણ મહિલા હોઇ વિશેષ જવાબદારી નિભાવવા તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં હાજર રહેનારી મહિલાઓ માટે એસટી બસની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મંડપથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.