1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે

0
Social Share
  • યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે
  • ધ્યાન દિવસની ઊજવણીમાં મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે
  • હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ

ગાંધીનગરઃ માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તા. 21 ડિસેમ્બરના રોજ બપોરે 2.30 કલાકથી રાજ્યસ્તરીય ધ્યાન કાર્યક્રમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરના દિક્ષાંત સમારોહનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત  તેમજ ધ્યાનના માર્ગદર્શક તરીકે હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પરમ પૂજ્ય  શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિત રહેશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કામગીરી કરી રહ્યું છે. યોગ અને ધ્યાનને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમ એ જ દિશામાં એક મોટી પહેલ છે, જે ગુજરાતને વધુ આધ્યાત્મિક અને માનસિક રીતે જાગૃત બનાવશે. તા. 21 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેને વિશેષ માનવામાં આવે છે. આ કાર્યક્રમના મુખ્ય બે હેતુઓમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ભાવપૂર્ણ અને અર્થસભર ઉજવણી કરવાનો, જ્યારે દ્વિતીય હેતુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલા યોગ કોચ અને યોગ ટ્રેનર્સનો દીક્ષાંત સમારોહ યોજવાનો છે. આ દીક્ષાંત સમારોહ રાજ્યમાં યોગ શિક્ષણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.

આ કાર્યક્રમમાં ધ્યાનના માર્ગદર્શક તરીકે હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પરમ પૂજ્ય  શિવકૃપાનંદ સ્વામીજીની પાવન ઉપસ્થિતિમાં હજારો સાધકો એકસાથે સામૂહિક ધ્યાનમાં ભાગ લઈ માનસિક શાંતિ, આંતરિક ઊર્જા અને આધ્યાત્મિક જોડાણનો અનુભવ કરશે. રાજ્યના તમામ નાગરિકો, યોગપ્રેમીઓ અને સાધકોને આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનવા અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીને સ્મરણિય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શિશપાલ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code