નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂલીને હિંદુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, સદ્ભાવના અને બંધનની લાગણી હોય.”
તેમણે કહ્યું કે, સમાજમાં આચરણનું અનુશાસન, રાજ્ય પ્રત્યેની ફરજ અને ધ્યેયલક્ષી ગુણો જરૂરી છે. તેમણે કહ્યું, “સમાજ એકલા મારા અને મારા પરિવારથી બનેલો નથી, પરંતુ આપણે સમાજની સર્વગ્રાહી ચિંતા દ્વારા આપણા જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવાનો છે.”
- ‘સંઘની સરખામણી કોઈ સાથે ન થઈ શકે’
 
RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે, સંઘનું કામ યાંત્રિક નથી પરંતુ વિચાર આધારિત છે. તેમણે કહ્યું કે, “સંસારમાં એવું કોઈ કામ નથી જેની સરખામણી સંઘના કાર્ય સાથે કરી શકાય. સંઘની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. પરિવારથી સમાજ સુધી સ્વયંસેવક વ્યક્તિગત વિકાસની પદ્ધતિ સંઘમાં અપનાવવામાં આવે છે.
- ‘ભારત હિંદુ રાષ્ટ્ર છે’
 
મોહન ભાગવતે કહ્યું કે, વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા દેશની તાકાતને કારણે છે. “ભારત એક હિંદુ રાષ્ટ્ર છે. આપણે અહીં પ્રાચીન સમયથી રહીએ છીએ. તેમણે કહ્યું કે, “સમાજમાં પ્રવર્તતી ખામીઓને દૂર કરવા અને સમાજને મજબૂત કરવાના પ્રયાસો કરવા જોઈએ. સમાજમાં સામાજિક સમરસતા, સામાજિક ન્યાય, સામાજિક સ્વાસ્થ્ય, શિક્ષણ, આરોગ્ય અને આત્મનિર્ભરતા માટે આહવાન થવું જોઈએ.”
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

