
- પૂરફાટ ઝડપે દોડતા વાહન માલિકોને મોબાઈલ ફોનમાં ઈ-ચલણ મળશે,
- ઓવરસ્પીડને લીધે થતાં અકસ્માતો રોકવા પોલીસની ઝૂંબેશ,
- ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરતા વાહનચાલકો પણ દંડાશે
સુરતઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ઓવરસ્પીડમાં દોડતા વાહનચાલકોને અંકૂશમાં લેવા શહેર પોલીસે 13 જેટલી સ્પીડ ગન સાથે અભિયાન શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસના જવાનો સ્પીડગન સાથે રોડ સાઈડ પર ઊભા રહેશે. અને નિયત કરતા વધુ સ્પીડ વાહનોની હશે તો ઓટોમેટિક મેમો જનરેટ જઈને વાહન માલિકના મોબાઈલ ફોન પર આવી જશે. અને ટ્રાફિકના નવા કાયદા મુજબ દંડ ભરવો પડશે.
સુરત શહેરમાં રોડ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે થતાં મોત ઘટાડવા માટે દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ અનિવાર્યની ઝૂંબેશ ચલાવ્યા બાદ હવે ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબુ મેળવવા સુરત પોલીસે કમર કસી છે. રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવરસ્પીડ વાહનો ચલાવનારા સામે દંડની ઝુંબેશ ચલાવશે. આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ મોટર વ્હીકલ એક્ટ અનુસાર, શહેરના માર્ગો પર દોડતા જુદા જુદા વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. છતાં વાહન ચાલકો દ્વારા બેકામ અને ઓવર સ્પીડ વાહનો હંકારવામાં આવે છે જેને કારણે અનેક વખત અકસ્માત પણ સર્જાતા હોય છે. જોકે આવા ઓવર સ્પીડ વાહનો પર લગામ લગાવવા માટે પોલીસ તંત્રને વાહનોની ગતિ માપતી સ્પીડ ગન ફાળવવામાં આવી છે. જેને અપગ્રેડ કરી વન નેશન વન ચલણ સાથે જોડી દેવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ ટ્રાફિક પોલીસ પાસે સ્પીડ ગન હતી પણ હવે આ આધુનિક અને અપડેટ સ્પીડ ગન છે. જે રસ્તા પર દોડતા વાહનની ગતિ માપી ઓવર સ્પીડ વાહનોના માલિકોને ઈ ચલણ જનરેટ કરીને તેમના મોબાઇલ પર મોકલી આપશે. આ સ્પીડ ગન વન નેશન વન ચલણ હેઠળ કામ કરશે. કોઈ પણ રાજ્યનું વાહન હોય ઓવર સ્પીડના કિસ્સામાં તે વાહન માલિકના એડ્રેસ પર ચલણ પહોંચી જશે અને મોબાઇલ પર પણ તેનો મેસેજ મળી જશે. આ સ્પીડ થકી ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબુ મેળવી શકાશે એવી આશા પોલીસ વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.