Homeગુજરાતીગુજરાતરાજકોટથી નોકરી પૂર્ણ કરીને રાત્રે બાઈક પર ઘેર જતા યુવાનને 4 શખસોએ...

રાજકોટથી નોકરી પૂર્ણ કરીને રાત્રે બાઈક પર ઘેર જતા યુવાનને 4 શખસોએ લૂંટી લીધો

રાજકોટ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાંથી નોકરી પરથી છૂટીને બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહેલા બાઈકસવાર યુવાનને નારણકા ચોકડીથી સોળીયા જતા રોડ પર રોકીને ચાર અજાણ્યા શખસો રોકડ 12,700, મોબાઈલ અને બાઈક મળી કુલ 42,700 ની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ બનાવની કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોટડાસાંગણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કોટડાસાંગાણી તાલુકાના રામપરા (નવાગામ) ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા 34 વર્ષીય રણજીતભાઈ નરેશભાઈ બાબરીયા નામનો યુવાન રાજકોટથી નોકરી પૂરી કરીને પોતાની બાઈક દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે 1 ફેબ્રુઆરી,રવિવારના રોજ રાતે આશરે પોણા એક વાગ્યે નારણકા ચોકડીથી સોળીયા જતા રોડ પર મેલડી માતાની ડેરી પાસે પહોંચતા જ ચાર અજાણ્યા ઈસમોએ તેમનો પીછો કર્યો હતો. ચારેય શખ્સોએ રણજીતભાઈના બાઈક આંતરીને તેમનો રસ્તો રોક્યો હતો. તેમાંથી એક શખ્સે રણજીતભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. ત્યારબાદ તેમને બાઈક સાથે નીચે પછાડી દઈ, ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓએ યુવક પાસેથી રોકડ 12,700, મોબાઈલ અને બાઈક મળી કુલ 42,700 ની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ ઉપરાંત લૂંટારુઓ ભોગ બનનારનું પાકીટ પણ લઈ ગયા હતા જેમાં આઈ-કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ અને એટીએમ કાર્ડ હતા.

આ બનાવ અંગે રણજીતભાઈએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 309(4), 309(6), 115(2), 126(2) અને 351(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડ ચલાવી રહ્યા છે, જેમણે સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રિના સમયે ધમધમતા રોડ પર બનેલી લૂંટની આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img