ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના બાળકોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્યભરમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૧૦,૭૦૮ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે બાકીના કેન્દ્રોમાં કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં આ ઝૂંબેશ હેઠળ આંગણવાડીઓને માત્ર રિપેરિંગ જ નહીં, પરંતુ આધુનિક શિક્ષણના કેન્દ્રો તરીકે બદલાવ કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય આવતીકાલના નાગરિકોને એક એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં શિક્ષણ, પોષણ અને રમતગમતનો અદભૂત સંગમ હોય.
આ ઝુંબેશનો મુખ્ય લક્ષ્યાંક આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવાનો છે. ૧૬ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થયેલી આ ઝુંબેશમાં ખાસ કરીને પોતાના મકાન ધરાવતી આંગણવાડીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવી રહ્યાં છે.
આંગણવાડી નવીનીકરણ અંતર્ગત કેન્દ્રોની અંદર અને બહારની સંપૂર્ણ સ્વચ્છતા, બાળકોને આકર્ષે તેવું સુંદર રંગરોગાન, પીવાનું પાણી, શૌચાલય જેવી માળખાકીય સુવિધાઓનું સુદ્રઢીકરણ તથા જરૂરિયાત મુજબનું નાનું-મોટું સમારકામ કરવામાં આવ્યું છે.
આ ઝૂંબેશમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી વાર્ષિક જાળવણી અને રિનોવેશન ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જિલ્લા-મનપાના ફંડ, લોકભાગીદારી અને CSR ફંડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ નવીનીકરણથી આંગણવાડીમાં આવતા બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને મળતા પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના લાભો વધુ સુદ્રઢ વાતાવરણમાં મળશે. કેન્દ્રોના આધુનિકીકરણથી લાભાર્થીઓની સંખ્યામાં વધારો થશે અને સમાજમાં આંગણવાડી પ્રત્યે એક સકારાત્મક અભિગમ કેળવાશે. સરકારના આ અદભુત પ્રયાસથી રાજ્યનું બાળપણ વધુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનશે.


