1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં પોલીસની ઓળખ આપીને 30.000 પડાવી લેવાના કેસમાં નકલી પોલીસ પકડાયો
રાજકોટમાં પોલીસની ઓળખ આપીને 30.000 પડાવી લેવાના કેસમાં નકલી પોલીસ પકડાયો

રાજકોટમાં પોલીસની ઓળખ આપીને 30.000 પડાવી લેવાના કેસમાં નકલી પોલીસ પકડાયો

0
Social Share

રાજકોટ, 02 માર્ચ 2026: Fake policeman arrested for extorting money by threatening people શહેરમાં પરપ્રાંતના લોકોને પોલીસના નામે ડરાવી ધમકાવીને રૂપિયા પડવતો નકલી પોલીસ પકડાયો છે. શહેરના જામનગર રોડ ઉપર પરા પીપળીયા પાસે રહેતા આધેડને એસ્ટ્રોન ચોક પાસે આંતરી બે શખસે પોલીસની ખોટી ઓળખ આપી અલગ-અલગ વિસ્તારમાં લઈ જઈ 30 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. જે અંગેની ફરીયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે એક શખસની ધરપકડ કરી ફરાર શખસની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના જામનગર રોડ પર આવેલા પરા પીપળીયાની એકતા સોસાયટીમાં શેરી નં.5માં રહેતાં જનાર્ધનભાઈ રામ નરેશભાઈ સહાની (ઉં.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છુટક કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ બપોરના 2.30 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું બાઈક લઈ વીરાણી ચોક પાસે આવેલા તેમના કામનુ સ્થળ વનદ્વારકા બિલ્ડિંગથી ઘરે જમવા જતા હતાં, ત્યારે એસ્ટ્રોન ચોક પાસે 2.45 વાગ્યા આસપાસ ફાકી ખાવા માટે બાઈક ઉભુ રાખ્યું હતું. આ સમયે પાછળથી અજાણ્યા બે શખસ એક એક્ટિવામાં આવી અમે બન્ને પોલીસ છીએ, તું પોલીસ સ્ટેશન ચાલ તેમ કહ્યું હતું. જેથી તેઓએ અજાણ્યા બે માણસોને કહ્યું કે, મારો વાંક શું છે? તેમ કહેતા તેમાંથી એક શખસે તેઓનો મોબાઇલ ફોન અને બાઇકની ચાવી કાઢી લઈ તેઓના બાઈકમાં જ પાછળ બેસાડીને તથા બીજો અજાણ્યો શખસ તેનું એક્ટિવા લઇને ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર 9 ખાતે લઇ ગયા હતા. ત્યારબાદ બાઈક ઉભુ રાખી તારા બેંક એકાઉન્ટમાંથી મારા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્ફર કરી આપ, નહીં તો ખોટા કેસમાં ફીટ કરી દઈશ અને જેલની હવા ખાવી પડશે એવી ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ ઓનલાઇન પૈસા નાખતા નથી આવડતુ કહેતા બન્ને શખસે પોલીસ સ્ટેશન ચાલ કહી ત્યાંથી પંચવટી સોસાયટી તરફ ફરિયાદીના બાઇકમાં બેસાડીને લઈ ગયા હતા. રસ્તામાં ફરિયાદીને ફોન આપી કહ્યું કે, તારા ઓળખીતાને ફોન કર અને તેની પાસેથી રોકડા રૂ.30 હજારની વ્યવસ્થા કરી આપે. જેથી ઓળખીતા અંબારામભાઈને ફોન કરીને 30 હજાર રૂપિયા ઉછીના માંગતા તેણે હા પાડી અને રાજનગર ચોક પાસે આવેલ પટેલ પેઈન્ટ્સ નામની કલરની દુકાને બોલાવતા બન્ને સાથે રાજનગર ચોકમાં આવી અને દુર ચોકમાં ઉભા રહી પૈસા લેવા માટે મોકલ્યો હતો, તેની પાસેથી રૂ.30 હજાર ઉછીના લઇને આપ્યા હતા.  ત્યારબાદ બન્ને શખસો બાઈક પરત આપી અને ત્યાંથી નીકળી ગયા હતા. આ પછી મિત્રએ ફરિયાદ કરવાનું કહેતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ કરતા નકલી પોલીસ તરીકે ઓળખ આપનાર સંદિપ રામાવત અને અલ્તાફ મેમણ હોવાનું સામે આવતા હાલ પોલીસે આરોપી સંદિપ રામાવતની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રૂપિયા 30,000 અને એક્ટિવા સહિત કુલ 80,000નો મુદામાલ કબજે કરી ફરાર આરોપી અલ્તાફ મેમણની શોધખોળ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code