વડોદરા, 05 માર્ચ 2026: Threat to blow up court in Vadodara શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને પખવાડિયામાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી. અને સાવચેતીના પગલા રૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વકીલો તેમજ અસીલોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન કોર્ટનું તમામ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે, તે પૂર્વે વડોદરા દિવાળીપુરા સ્થિત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે કોર્ટના ખૂંણેખૂણાની તપાસ કરી હતી. પણ તપાસના અંગે કંઈ ન મળતા પોલીસ સહિત તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,
વડોદરા કોર્ટને અગાઉ પણ બોમ્બની ધમકી આપતો એક ઈમેલ મળ્યો હતો, જેની તપાસ અકોટા પોલીસ અને સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે, કલાકોની તપાસ બાદ તે સમયે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી અને ધમકી અફવા સાબિત થઈ હતી. પરંતુ, આજે ફરીથી આવી જ ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે. કોર્ટ સંકુલમાં લોકોના ટોળેટોળા જામ્યા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સાયબર સેલ ફરી એકવાર સક્રિય થયું છે જેથી આ મેલ કે મેસેજ ક્યાંથી આવ્યો છે તેનું મૂળ શોધી શકાય. વારંવાર મળતી આ પ્રકારની ધમકીઓ પાછળ કોઈ તોફાની તત્વોની છેડછાડ છે કે કોઈ ઊંડી વ્યૂહનીતિ, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.


