1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં સુરજબારી ટોલ નાકા માટે 15 ગામોના લોકોએ પાસ આપવાની કરી માગણી
કચ્છમાં સુરજબારી ટોલ નાકા માટે 15 ગામોના લોકોએ પાસ આપવાની કરી માગણી

કચ્છમાં સુરજબારી ટોલ નાકા માટે 15 ગામોના લોકોએ પાસ આપવાની કરી માગણી

0
Social Share

ભૂજ, 10 માર્ચ, 2026: People from 15 villages in Kutch demand passes for Surajbari toll plaza કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી ટોલપ્લાઝા ખાતે ટોલ કંપનીની મનમાની સામે સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સુરજબારી ટોલનાકા આસપાસ 15 ગામડાંઓ છે, આ ગામના લોકોને પણ ટોલટેક્સ ફરજિયાત ચૂકવવો પડે છે. આથી ટોલનાકા આસપાસના 15 જેટલા ગામોના લોકો અને સરપંચોએ એકજૂથ થઈને ટોલ કંપનીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સામખિયાળી ટોલનાકાની તર્જ પર સુરજબારી ટોલ પર પણ સ્થાનિકોને એક રૂપિયાની ટ્રીપ વાળો પાસ બનાવી આપવો જોઈએ.

સુરજબારી ટોકનાકાના અધિકારીઓને 15 ગામના સરપંચો અને ગ્રામજનોએ એવી રજુઆત કરી હતી કે, લોકોને આરોગ્યલક્ષી સેવાઓ, ખાસ કરીને મોરબીની હોસ્પિટલો તથા અન્ય રોજિંદા કામકાજ અર્થે વારંવાર પોતાના ખાનગી વાહનો લઈને હાઇવે પરથી પસાર થવું પડે છે. આ અંગે જંગી, વાંઢિયા, ગોડપર, મોડપર, લઘધીરગઢ, નવા કટારિયા, જુના કટારિયા, શિકારપુર, નવાગામ, નારણસરી, સૂરજબારી અને જસાપર સહિતના ગામોના લોકોએ ટોલનાકે થતી ખોટી કનડગત સામે વિરોધ નોંધાવ્યો છે.  ટોલ કંપની દ્વારા માસિક 350 રૂપિયાનો પાસ ઇસ્યુ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 15 ગામના લોકોએ તેનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો ટોલ કંપની પોતાનું જક્કી વલણ છોડીને સ્થાનિકોને સામખિયાળીની જેમ રાહતદરે પાસ નહીં આપે, તો આવનારા સમયમાં હજારોની સંખ્યામાં લોકો હાઇવે પર ઉતરી આંદોલન કરશે. આ રજૂઆત વેળાએ વાંઢિયાના સરપંચ કૃષ્ણદેવસિંહજી જાડેજા, શિકારપુરના સરપંચ દેસરાભાઈ, સૂરજબારીના સરપંચ સલીમભાઇ જેડા, જંગીના સરપંચ ગુલમામદ રાઉમા, નવા કટારિયાના સરપંચ બિહારીદાસ સાધુ, જુના કટારિયાના હેમુદાન ગઢવી સહિતના આગેવાનો રામજીભાઈ પટેલ, હીરા ભચુ કોળી, કાસમભાઈ ત્રાયા, રહીમભાઈ ત્રાયા, કાસમભાઈ સોલંકી, મમુભાઈ કોળી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code