અમરેલી, 13 માર્ચ 2026: A pride of 11 lions went out for a walk જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક હાઈવે પર રાત્રિના સમયે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર જોવા મળતા કોઈ વાહનચાલકે 11 સિંહનો લટાર મારતો વિડિયો વાયરલ કર્યો છે. રાજુલા વિસ્તારમાં અવારનવાર સિંહ જોવા મળતા હોય છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહોની મૂવમેન્ટ પર સતત નજર રાખવામાં આવતી હોય છે.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં એશિયાટિક સિંહોનો કાયમી વસવાટ છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યો છે. ખોરાક અને પાણીની શોધમાં સિંહો ઘણીવાર નજીકના ગામો અને હાઈવે સુધી આવી જતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. કોવાયા ગામ નજીક જોવા મળેલા આ 11 સિંહોનું ટોળું પણ ખોરાક અથવા પાણીની શોધમાં આ વિસ્તારમાં આવ્યું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ વિસ્તાર, ખેતીવાડી વિસ્તારો અને જંગલ નજીકના ગામોમાં સિંહોની હલચલ વારંવાર જોવા મળે છે.
વન વિભાગ દ્વારા સિંહોના સંરક્ષણ અને સુરક્ષા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે આ વિસ્તારમાં સિંહોની હાજરી વધુ પ્રમાણમાં જોવા મળી રહી હોવાનું પણ જાણવા મળે છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહોની મૂવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. કોવાયા વિસ્તાર આસપાસ રેલવે ટ્રેક તેમજ દરિયાકાંઠો આવેલો હોવાથી સિંહોની અવરજવર પર વન વિભાગ ખાસ નજર રાખી રહ્યો છે. સિંહો રોડ પર જોવા મળતા સ્થાનિકો અને વાહન ચાલકોને સાવચેતી રાખવા અને સિંહો નજીક ન જવાની પણ સૂચના આપવામાં આવી રહી છે.


