અમદાવાદ, 19 માર્ચ 2026: Car caught with fake notes worth Rs 2 crore સુરતથી બે કરોડની નકલી નોટો સાથે અમદાવાદના અમરાઈવાડીમાં આવેલી કારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરૂજી સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલી નકલી નોટો 500 રૂપિયાના દરની છે. અમદાવાદમાં નકલી નોટો કોને આપવાની હતી.તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના આગેવાન પ્રદીપની સંડોવણી સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા સોસાયટીના 77 નંબરના બંગલામાં રહેતો મુકેશ પટેલ આ નોટો છાપતો હતો. અને નકલી નોટો કામરેજ ખાતે આવેલા યોગ આશ્રમમાં મોકલવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.
પોલીસે આરોપીઓની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે આ ચલણી નોટ સુરતના વરાછા ખાતે છાપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની એક ટીમ વરાછા પહોચી ગઈ છે અને સ્થાનિક પોલીસની મદદ લઈને જ્યા નોટ છાપી રહ્યા હતા ત્યારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ચલણી નોટ પ્રિન્ટ કરવાનું મશીન સહિતની સામગ્રીઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યુ છે.


