1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના કાપોદ્રામાં પ્રવાસીઓ ભરેલી એસટી બસમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
સુરતના કાપોદ્રામાં પ્રવાસીઓ ભરેલી એસટી બસમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

સુરતના કાપોદ્રામાં પ્રવાસીઓ ભરેલી એસટી બસમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

0
Social Share

સુરત, 24 માર્ચ 2026: Fire in ST bus શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં જલારામ ફર્નિચર પાસે રોડ પર જતી 51 પ્રવાસીઓ ભરેલી એક એસટી બસમાં આગ લાગી હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો નીકળતા બસના ડ્રાઈવરે રોડ સાઈટ પર બસ પાર્ક કરીને તમામ પ્રવાસીઓને ત્વરિત ઉતરી જવા કહ્યું હતું. અને પ્રવાસીઓ પર બસમાંથી ઉતરી ગયા હતા. દરમિયાન જોતજાતોમાં બસમાં આગ લાગી હતી. ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખી બસ લોખંડના હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, સુરતથી તરસાડી જઈ રહેલી એસટી બસ જ્યારે કાપોદ્રા મેઈન રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે સમય વેડફ્યા વગર બસ રસ્તાની સાઈડ પર પાર્ક કરી દીધી હતી. બસમાં સવાર 51 પ્રવાસીઓ કંઈ સમજે તે પહેલા ડ્રાઈવરે તમામને તાત્કાલિક નીચે ઉતરી જવા જણાવ્યું હતું. પ્રવાસીઓ નીચે ઉતર્યાના થોડી જ સેકન્ડોમાં આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી.

શહેરના કાપોદ્રા વિસ્તારમાં એસટી બસ સળગી રહી હતી તેની બિલકુલ નજીક જ પેટ્રોલ પંપ આવેલો હતો. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ હોવાથી અને રોડ પર ટ્રાફિક જામ હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે ટ્રાફિક એટલો વધુ હતો કે ફાયરની 3 ગાડીઓએ જીવના જોખમે રોંગ સાઈડમાં દોડવું પડ્યું હતું. જો આગ પેટ્રોલ પંપ સુધી પ્રસરી હોત તો મોટી દૂર્ઘટના સર્જાવવાની શક્યતા હતી. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.  ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવીને અંતે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી. ફાયર ઓફિસરના કહેવા મુજબ એસટી બસના ડ્રાઇવરની બાજુમાંથી સ્પાર્ક થઈને આગ લાગી હોવાની શક્યતા છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code