સાપુતારા, 20 મે, 2026 : Cold weather due to fog in hill station ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જાણીતા હીલ સ્ટેશન એવા સાપુતારામાં પ્રવાસીઓને ભર ઉનાળામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી જ સમગ્ર સાપુતારા પંથકમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ડુંગરો પર ધુમ્મસની સફેદ ચાદર પથરાઈ હોય તેવો નજારો જોવા મળ્યો હતો, જેના કારણે સાપુતારામાં “મીની કાશ્મીર” જેવો માહોલ સર્જાયો છે.
હીલ સ્ટેશન સાપુતારામાં ઉનાળુ વેકેશનને લીધે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. હીલ સ્ટેશન પર સામાન્ય રીતે મે મહિનામાં અન્ય શહેરોની તુલનાએ તાપમાન બે ડિગ્રી ઓછુ રહેતું હોય છે. પણ આ વખતે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવારે તાપમાનનો પારો અંદાજે 23 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શીત લહેર પ્રસરી હતી. ઠંડા પવન અને ધુમ્મસભર્યા વાતાવરણથી પ્રવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે.
હીલ સ્ટેશન સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન અને સરોવર વિસ્તાર જેવા પર્યટન સ્થળોએ વહેલી સવારથી જ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ડુંગરો વચ્ચેથી પસાર થતા ધુમ્મસ અને ઠંડા પવનને કારણે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો અનુભવ કરી રહ્યા હતા. ઘણા પ્રવાસીઓએ આ દ્રશ્યોને મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોના મતે, વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આનાથી પર્યટન વ્યવસાયને પણ ફાયદો થઈ રહ્યો છે. ઠંડકભર્યા વાતાવરણ અને કુદરતી દ્રશ્યોને કારણે સાપુતારામાં હાલ પ્રફુલ્લિત માહોલ છે. ભર ઉનાળામાં ઠંડીનો અહેસાસ થતાં લોકો આ અનોખા બદલાવનો અનુભવ કરી રહ્યા છે.


