ગાંધીનગર, 27 મે, 2026 : Farmers will now be able to build crop-storage structures up to 600 square feet મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત-હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે.
મંત્રીએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેડૂતોને ૩૦૦ ચોરસ ફૂટ સુધીના પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧ લાખની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાને રાખીને હવે આ મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, હવેથી ખેડૂતો ૬૦૦ ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને તેના માટે મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂ. ૨ લાખ કરવામાં આવી છે.
જો કોઈ ખેડૂત ૩૦૦ થી ૬૦૦ ચોરસ ફૂટ વચ્ચેના માપનું બાંધકામ કરે, તો તે ખેડૂતને પ્રતિ ચોરસ ફૂટના નિયત દરે પ્રમાણસર સહાય એટલે કે, પ્રો-રેટા મુજબ સહાય ચૂકવવામાં આવશે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.
ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે અને તેને પ્રતિકૂળ હવામાન કે અન્ય કારણોસર નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સુધારા સાથે યોજનાના વ્યાપક અમલીકરણ માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત રૂ. ૧૫૪.૩૬ કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી પણ સરકારે આપી દીધી છે.
આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને મોટો લાભ થશે અને તેઓ પોતાના ખેતરમાં જ વધુ ક્ષમતાવાળા સંગ્રહ સ્થાન બનાવીને પાકનો સુરક્ષિત સંગ્રહ કરી શકશે, જેનાથી તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ મળશે, તેમ પ્રવક્તા મંત્રીએ અંતમાં ઉમેર્યું હતું.


