Homeગુજરાતીગુજરાતશિક્ષણ વિભાગમાં હવે વર્ગ-3 અને 4ના કર્મચારીઓ આઉટસોર્સ એજન્સી દ્વારા લેવાશે

શિક્ષણ વિભાગમાં હવે વર્ગ-3 અને 4ના કર્મચારીઓ આઉટસોર્સ એજન્સી દ્વારા લેવાશે

ગાંધીનગર, 14 જુન, 2026 : Class 3 and 4 employees in education will be hired through outsource agencies ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા કર્મચારીઓની કાયમી ભરતીને સ્થાને આઉટસોર્સથી એજન્સીઓને કાન્ટ્રાક્ટ આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની સામે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્રમાં વર્ગ-3 અને વર્ગ-4ની ખાલી જગ્યાઓ આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરવાની સૂચના આપવામાં આવી છે. આ પરિપત્ર બાદ શિક્ષણ વિભાગમાં નિયમિત સરકારી ભરતીની પ્રક્રિયા સામે પ્રશ્નો ઊભા થયા છે.

સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ  સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ વર્ગ-3માં ડેટા ઓપરેટર અને ઓફિસ આસિસ્ટન્ટ તેમજ વર્ગ-4માં પટાવાળા, સ્વીપર અને ચોકીદાર જેવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જોકે, આ જગ્યાઓ માટે સીધી ભરતીને બદલે માન્ય આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે મેનપાવર ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર શિક્ષા હેઠળ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના સર્વાંગીકરણ, વ્યાપકીકરણ અને ગુણવત્તા સુધારણા માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જરૂરી માનવબળ ઉપલબ્ધ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પરિપત્રમાં જણાવાયું છે.

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO), જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર્સ અને સંબંધિત અધિકારીઓને તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા માન્ય કરાયેલી આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ખાલી જગ્યાઓ ભરવા અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી શિક્ષણ વિભાગમાં સરકારી ભરતીની પરંપરાગત પ્રક્રિયામાં મોટા ફેરફારનો સંકેત મળ્યો છે. સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં સ્થાયી ભરતીની જગ્યાએ આઉટસોર્સિંગ મોડેલને પ્રાધાન્ય અપાઈ રહ્યું હોવાની ચર્ચા પણ તેજ બની છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular