અંબાજી, 23 ઓગસ્ટ, 2026 : Bhadarvi Poonam Fair in Ambaji starts from September 20th. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાગરવી પૂનમનો મેળો આગામી તા. 20મી સપ્ટેમ્બરથી યોજાશે. આ મેળા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સેવાકેમ્પના આયોજકોની એક મહત્વપૂર્ણ બેઠક 24 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે. આ બેઠકનો મુખ્ય હેતુ મેળા દરમિયાન પદયાત્રીઓ અને માઈભક્તોને અપાતી સેવાઓમાં સુમેળ અને એકસૂત્રતા જાળવવાનો છે.
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો આગામી તા. 20 સપ્ટેમ્બર, 2026 થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, જેમની સેવા માટે વિવિધ સેવાકેમ્પોનું આયોજન કરવામાં આવે છે. સેવાકેમ્પના આયોજકો સાથે જરૂરી સંકલન સાધવા, વ્યવસ્થાઓમાં એકસૂત્રતા જાળવવા અને માર્ગદર્શન પૂરું પાડવા માટે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકની અધ્યક્ષતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના અધ્યક્ષ અને બનાસકાંઠાના કલેક્ટર કરશે.
આ બેઠક 24 ઓગસ્ટ, 2026, સોમવારના રોજ બપોરે 04:00 કલાકે કાળીદાસ મિસ્ત્રી ભવન (મેવાડા સુથારની ધર્મશાળા), દાંતા રોડ, અંબાજી ખાતે યોજાશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ એક અખબારી યાદીમાં ભાદરવી પૂનમ મહામેળા-2026 દરમિયાન સેવાકેમ્પનું આયોજન કરનાર તમામ આયોજકોને સમયસર બેઠકમાં હાજર રહેવા અનુરોધ કર્યો છે. ( File photo)


