Homeગુજરાતીગુજરાતભીખ મંગાવવા માટે બાળકનું અપહરણ કરી અમદાવાદ આવેલી મહિલાને પોલીસે ઝડપી લીધી

ભીખ મંગાવવા માટે બાળકનું અપહરણ કરી અમદાવાદ આવેલી મહિલાને પોલીસે ઝડપી લીધી

અમદાવાદ, 4 સપ્ટેમ્બર, 2026 : Police arrest woman who kidnapped child for begging સુરેન્દ્રનગરના પાટડી બસ સ્ટેશનથી એક મહિલાએ 4 વર્ષના બાળકનું અપહરણ કરીને અમદાવાદમાં ભીખ મંગાવવા માટે લાવી હતી. દરમિયાન બાળકનું અપહરણ થયાનો બ્રોડકાડ મેસેજ અમદાવાદ શહેર કેન્ટ્રલરૂમને મળતા સોલા હાઈકોર્ટ પોલીસે ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તાથી પ્રસંગ પાર્ટી પ્લોટ ચાર રસ્તા તરફ જતા રોડ પર એક મહિલા સાથે સીસીટીવીમાં દેખાયેલા વર્ણનવાળા બાળકને જોઈ લીધો હતો. પોલીસે ઘેરાબંધી કરીને મહિલાને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધી હતી અને બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને જાણ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલી મહિલાએ ભીખ મંગાવવાના આશયથી માસૂમ બાળકનું અપહરણ કર્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બુધવારે સવારના સમયે 4 વર્ષના માસૂમ બાળકનું ગુમ થયો હતો. બાળકના પરિવારજનોએ ભીરે શોધખોળ કર્યા છતાંયે બાળકનો કોઈ પત્તો ન લાગતા અંગે બાળક ગુમ થયાની જાણ પાટડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે બસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી જોતા એક મહિલા બાળકને લઈને જતી જોવા મળી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે  એક મહિલા બાળકનું અપહરણ કરી ગયાની મહિલા અને બાળકના ફોટા સાથે રાજ્યભરની પોલીસને બ્રોડકાસ્ટ મેસેજ આપ્યો હતો.

દરમિયાન સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. દેસાઈ, એન.એસ. સિંઘ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી વિસ્તારમાં નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ શંકાસ્પદ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓ ખૂંદી વળતાં ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તાથી પ્રસંગ પાર્ટી પ્લોટ ચાર રસ્તા તરફ જતા રોડ પર એક મહિલા સાથે સીસીટીવીમાં દેખાયેલા વર્ણનવાળા બાળકને જોઈ લીધો હતો. પોલીસે ઘેરાબંધી કરીને મહિલાને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધી હતી અને બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવીને સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,  બાળકનું અપહરણ કરીને અમદાવાદ ભાગી આવેલી મહિલા આરોપીનું નામ મીનાબેન ઉર્ફે રમીલા, ઉર્ફે રીની, જગદીશ ઉર્ફે જીગો દેવાભાઈ નાથબાવા (ઉંમર 40 વર્ષ) છે. તે મૂળ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રીન્દ્રોડા ગામની વતની છે અને હાલ સોલા સિવિલ હોસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજ નીચે ફૂટપાથ પર પોતાના પતિ સાથે રહે છે. તે જાહેરમાં ભીખ માંગીને તેમજ પ્લાસ્ટિક-કચરો વીણીને ગુજરાન ચલાવતી હતી. કડક પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી સહાનુભૂતિ મેળવી વધુ ભીખ મંગાવવાના ઇરાદાથી તેણે પાટડીથી એકલા રમી રહેલા માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું.

સોલા પોલીસે સમયસૂચકતા અને ઝડપી ટેકનિકલ નેટવર્કના આધારે ગણતરીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી બાળકનો જીવ જોખમમાં મુકાતાં બચાવી લીધો છે. પોલીસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તેમજ બાળકના વાલીવારસોને આ સફળતા અંગે જાણ કરી છે. બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી તેને તેના પિતાના હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે આરોપી મહિલાને આગળની તપાસ માટે પાટડી પોલીસને સોંપવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular