ગાંધીનગર, 4 સપ્ટેમ્બર, 2026 : CM calls on investors to invest મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પ્રમોશન માટે મુંબઈમાં યોજાયેલા રોડ-શૉમાં દેશ-વિદેશના ઉદ્યોગ-નિવેશકારોને “કમ ટુ ગુજરાત – ગ્રો ઇન ગુજરાત – ગ્રો વિથ ગુજરાતનું આહવાન કર્યું હતું.
તેમણે વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ, ફોરેન મિશનના રિપ્રેઝન્ટેટિવ્ઝ અને દેશના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથેના ઇન્ટરેકશન સેશનમાં ગુજરાતના પ્રભાવક વિકાસની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે દેશના ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ સાથે ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બની ગયું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથથી અનેક ગણું આગળ વધીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકન્ડક્ટર, ગ્રીન મેન્યુફેક્ચરીંગ જેવા ઉભરતા સેક્ટર્સમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી લીડ લેવા સજ્જ છે.
તેમણે કોન્સ્યુલ જનરલ્સ અને ફોરેન મિશનના રિપ્રેઝન્ટેટીવ્સ અને દેશના અગ્રણી બિઝનેસ લિડર્સને ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીના પાર્ટનર બનવા આમંત્રણ આપતા કહ્યું કે, ગુજરાતને માત્ર એક પ્રોજેક્ટ કે ઈન્ડસ્ટ્રીયલ યુનિટના સ્થાન તરીકે ન જોતા તેમના ભવિષ્યના વિકાસનો ટ્રસ્ટેડ પાર્ટનર બનાવે. તમારા નવા આઈડિયાઝ અને નવા ઈન્વેસ્ટમેન્ટ સાથે આવો, ગુજરાત સરકાર હર કદમ પર તમારી મદદ માટે તૈયાર છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પાસે દેશની સૌથી મોટી કોસ્ટ લાઈન, વર્લ્ડ ક્લાસ પોર્ટ્સ, ડી.એફ.સી., ડી.એમ.આઈ.સી., મુંબઈ-અમદાવાદ હાઈસ્પિડ બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને મજબુત MSME ઈકો સિસ્ટમ તથા સ્કિલ્ડ મેનપાવરની સ્ટ્રેન્થ છે એટલુ જ નહિ, પોલિસી ડ્રિવન અને ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી ગવર્નન્સ ગુજરાતની આગવી ઓળખ છે અને દરેક પોલીસીઝ ગ્રાઉન્ડ રિયાલિટીમાં પરિવર્તિત થાય છે.
તેમણે કહ્યું કે, દેશની કુલ જી.ડી.પી.માં 8.2 ટકા, મેન્યુફેક્ચરીંગમાં 17 ટકા અને મર્ચન્ડાઈઝ એક્સપોર્ટમાં 25 ટકાનું યોગદાન આપતું ગુજરાત લેબર પીસ, ઝિરો મેન ડેઈઝ લોસ અને સંગીન લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનના કારણે વિશ્વ ભરના રોકાણકારોનું ફર્સ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું કે, ગુજરાત નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે દેશનું સૌથી સુરક્ષિત અને અનુકૂળ રાજ્ય છે. મુખ્ય સચિવએ રાજ્યના સુદ્રઢ ઔદ્યોગિક માળખાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઈકોનોમિક માસ્ટર પ્લાન, બહેતર રોડ કનેક્ટિવિટી, એરપોર્ટ અને પોર્ટ્સનો વ્યાપક વિકાસ થયો છે તેના પરિણામે આજે સમગ્ર દેશના કુલ કાર્ગો હેન્ડલિંગના ૪૦ ટકા જેટલું કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. આ ઉપરાંત, માલસામાનની ઝડપી હેરફેર માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો (DFC) પણ ઝડપી વિકાસ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ‘વિકસિત ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી’ હેઠળ ઉદ્યોગોને ઈન્સેન્ટિવ મેળવવા માટે વિવિધ ચોઈસ આપવામાં આવી છે.
રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને ઉદ્યોગો માટેની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી સમુદ્રી માર્ગો સાથે વિશ્વના દેશો સાથે જોડાયેલું ગુજરાત આજે ગ્લોબલ સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ હિસ્સો બન્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ અને ફ્યુચર ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ક્ષમતા પ્રસ્થાપિત કરી છે.
CIIના અધ્યક્ષ આર. મુકુંદને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની નીતિ સ્થિરતા, ઝડપી પ્રતિસાદ અને ઉદ્યોગો સાથેના સતત સંવાદના કારણે રાજ્યમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. રાજ્ય સરકાર ઉદ્યોગજગત માટે સુલભ અને પ્રતિસાદી રહી છે તથા વ્યવસાય માટે સક્ષમ અને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા સતત કાર્યરત છે.


