ગાંધીનગર, 16 સપ્ટેમ્બર,2026 : Child protection policy, zero tolerance approach ગુજરાતના બાળકોને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે, તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વધુ એક મહત્વની અને સંવેદનશીલ પહેલ કરી રાજ્યમાં ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે.
મુખ્યમંત્રીનાં માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરવામાં આવી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં એવું સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો છે કે જ્યાં દરેક બાળક હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત રહી પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરી શકે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગત તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક જાહેરનામા મુજબ આ નીતિ રાજપત્ર (ગૅઝેટ)માં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી ગઈ છે. નીતિ તૈયાર કરતા અગાઉ તેના મુસદ્દા અંગે મળેલા વાંધા-સૂચનોને પણ સરકારે ધ્યાનમાં લીધા છે. સાથે-સાથે POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા, રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના વિવિધ કાયદાકીય અને નીતિગત માળખાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.
નવી નીતિનો અભિગમ માત્ર કોઈ ઘટના બન્યા પછી કાર્યવાહી કરવાનો નથી, પરંતુ બાળ સુરક્ષાને નિવારણ, સમયસર ઓળખ, તાત્કાલિક પ્રતિભાવ, પુનર્વસન અને પુનઃસમાવેશન સાથે જોડીને એક વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાનો છે.
સરકારનું સ્પષ્ટ ધ્યેય એવા સમાજનું નિર્માણ કરવાનું છે કે જેમાં દરેક બાળક સલામત, સુરક્ષિત અને અધિકારસંપન્ન હોય. બાળકને સુરક્ષા સાથે શિક્ષણ, આરોગ્ય, સર્વાંગી વિકાસ અને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર પણ મળે તે સુનિશ્ચિત કરવાની દિશામાં નીતિ ઘડવામાં આવી છે.
આ નીતિમાં ધર્મ, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અથવા ભૌગોલિક વિસ્તારના આધારે કોઈ ભેદભાવ વિના તમામ બાળકોને બાળ સંરક્ષણ સેવાઓનો સમાન લાભ મળે તે બાબતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.


