અમદાવાદ, 14 ઓક્ટોબર, 2026 : AI and software integration can save police ‘human hours નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં i-Hub અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ ૨૦૨૬’(સેન્ટીનલ હેકાથોન ૨૦૨૬)નો સમાપન સમારોહ યોજાયો હતો.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ, સચોટ અને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશથી યોજાયેલી આ હેકાથોનમાં દેશભરમાંથી ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ અને સંશોધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન તજજ્ઞ જ્યુરી પેનલ દ્વારા વિવિધ ટીમોના પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, પીચિંગ અને મૂલ્યાંકન (Jury Evaluation & Reconciliation)ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
દેશમાં સર્વપ્રથમ વખત સ્પર્ધકોએ લાઇવ CCTV કેમેરા ફીડ્સ પર રિયલ-ટાઇમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ અને વોચલિસ્ટ મેચિંગ જેવા વાસ્તવિક પબ્લિક સેફ્ટી સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ફેઝ-૧ની અલગ અલગ ત્રણ કેટેગરીની વિજેતા ટીમોને તથા પ્રોત્સાહક ઇનામો મળીને કુલ રૂ.૧૮ લાખના રોકડ પુરસ્કારો આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેઝ ૧ અને ફેઝ ૨ મળીને સ્પર્ધકો કુલ ૫૧ લાખની ઈનામી રકમ જીતી શકશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત ઇનોવેટર્સ, ટેકનોલોજી નિષ્ણાતો અને પોલીસ પરિવારને સંબોધતા જણાવ્યું હતું કે*, આ ઇનોવેશન ચેલેન્જ એ માત્ર આઈ.ટી. કે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું કે કેવળ ક્રાઇમ ડિટેક્શન માટેનું આયોજન નથી, પરંતુ AI અને આધુનિક સોફ્ટવેર ઇન્ટિગ્રેશનના માધ્યમથી ગુજરાત પોલીસના હજારો કોન્સ્ટેબલ્સ અને અધિકારીઓના ‘હ્યુમન અવર્સ’ (કાર્યના કલાકો) બચાવીને તેમની તથા તેમના પરિવારની સોશિયલ લાઈફને ઉત્કૃષ્ટ બનાવવાનો એક અત્યંત માનવીય અભિગમ છે. આ ચેલેન્જ માટે દેશભરમાંથી ૩,૧૦૦થી વધુ રજિસ્ટ્રેશન અને ૧,૦૦૦થી વધુ ઇનોવેટિવ સોલ્યુશન્સ પ્રાપ્ત થયા છે, જે રાષ્ટ્ર નિર્માણ અને સુરક્ષા ક્ષેત્રે દેશની યુવાશક્તિનો અદભુત ઉત્સાહ દર્શાવે છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અસરકારક ઉપયોગ કરીને સ્માર્ટ પોલિસિંગ સુનિશ્ચિત કરી શકાશે. સીસીટીવી કેમેરા ઇન્ટિગ્રેશન અને AI ટેકનોલોજી સોલ્યુશન્સ વિકસાવનારા યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે ભવિષ્યમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજ્યોમાં વિશાળ બિઝનેસ ઓપર્ચ્યુનિટીઝ ઊભી થશે.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારે ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’ અને આઈ-હબ (i-Hub) ના માધ્યમથી રાજ્યના યુવા ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પબ્લિક સેફ્ટી, ક્રાઈમ પ્રિવેન્શન, ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં મોટો અને સકારાત્મક બદલાવ આવી રહ્યો છે.


