સુરત, 19 ઓક્ટોબર, 2026 : 50 percent increase in yarn raw material prices leads to slowdown in textile industry દિવાળીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે જ શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીની મોકાણ ચાલી રહી છે. યાર્નના કાચા માલમાં 50 ટકાનો વધારો થતાં અને અગાઉથી સસ્તા ભાવે કાપડના જથ્થાબંધ ઓર્ડરો લીધા હોવાથી ટેક્સટાઈલ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. તૈયાર કાપડમાં 50 ટકા જેટલો વધારો કરવાની નોબત આવતા છૂટક વેપારીઓ પણ હવે ઉંચા ભાવે તૈયાર કાપડ ખરીદતા નથી. આથી લૂમ્સ સંચાલકો માટે એકમો ચાલુ રાખવા અશક્ય બન્યા છે. માર્કેટમાં સર્જાયેલી ભારે મની ક્રાઇસિસ અને બેંક લોનના હપતાના ભારણ વચ્ચે આ વર્ષે 15થી 30 દિવસનું લાંબુ વેકેશન પાડવાની નોબત આવતાં 75 હજારથી વધુ કારીગરોની રોજીરોટી પર સીધું સંકટ તોળાઈ રહ્યું છે.
શહેરના બમરોલી વિવર્સ એસોસિએશનના અગ્રણીઓના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા સતત વધારાના કારણે યાર્ન અને અન્ય પેટ્રોકેમિકલ રો-મટિરિયલના ભાવો ભડકે બળી રહ્યા છે. આટલો મોટો ભાવવધારો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી, જેના કારણે સામાન્ય લૂમ્સ સંચાલકો માટે ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બન્યુ છે.
લૂમ્સના અન્ય ઉદ્યોગકારોના કહેવા મુજબ ઉત્પાદન ખર્ચમાં જંગી વધારો થયો હોવા છતાં તેની સામે માર્કેટમાં તૈયાર કાપડના વેચાણ ભાવમાં કોઈ સુધારો થયો નથી. વેપારીઓ અને ટ્રેડર્સ ઊંચા ભાવે કાપડ ખરીદવા તૈયાર નથી, જેને પરિણામે આખા માર્કેટમાં ભારે સેલિંગ પ્રેશર ઊભું થયું છે. પડતર કિંમત કરતાં નીચા ભાવે માલ વેચવો પરવડે તેમ નથી. અથવા તો ગોડાઉનોમાં માલનો ભરાવો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે સમગ્ર વિવિંગ સેક્ટરમાં રોકડની ભારે ખેંચ એટલે કે ગંભીર મની ક્રાઇસિસ સર્જાઈ છે, જેને સંભાળવી ઉદ્યોગપતિઓ માટે મુશ્કેલ બની ગઈ છે.
સુરતના વિવિંગ સેક્ટર સાથે ઓછામાં ઓછા 75,000 કારીગરો સીધી રીતે સંકળાયેલા છે, કારખાના 15થી 30 દિવસ બંધ રહેવાના કારણે આ તમામ કારીગરોની રોજગારી પર સીધી માઠી અસર થવાની છે. દિવાળી પર હિસાબ પતી ગયા પછી જો મહિનો કારખાના બંધ રહેશે તો કામદારોની હાલત કફોડી બનશે.


