Homeગુજરાતીગુજરાતવડોદરા નજીક મુંબઈ એક્સપ્રેસ વે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂંસી જતા...

વડોદરા નજીક મુંબઈ એક્સપ્રેસ વે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂંસી જતા માતા-પૂત્રીનું મોત, 4ને ઈજા

વડોદરા, 22 ઓક્ટોબર, 2026 : Mother and daughter die after car rams into closed truck દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરાના પાદરા નજીક એક્સપ્રેસવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક  છેલ્લા બે દિવસથી બંધ પડેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી વિન્ડસર ઇલેક્ટ્રિક કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 6 લોકોમાંથી એક 7 વર્ષની માસૂમ બાળકી અને તેની માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દિલ્હી-મુંબઈ હાઈવે પર વડોદરાના પાદરા નજીક પૂરપાટ ઝડપે કાર રોડ સાઈડ પર બંધ પડેલી ટ્રકની પાછળ ઘૂંસી ગઈ હતી. વિન્ડસર ઈલેક્ટ્રિક કારમાં મુંબઈ રહેતો રાજસ્થાની પરિવાર વતનથી મુંબઈ તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ ઊભેલા બંધ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ઇલેક્ટ્રિક કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે કારમાં બેઠેલા પ્રવાસીઓ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. વાસણા ફાયર બ્રિગેડની ટીમે ખાસ રેસ્ક્યુ સાધનોની મદદથી આશરે બે કલાકની ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો તેમજ મૃતક મહિલાના શબને બહાર નિકાળ્યું હતું. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય લોકો સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર, ભોગ બનેલો પરિવાર મૂળ રાજસ્થાનનો છે અને મુંબઈ પરત ફરી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. એક્સપ્રેસવે પર બિનવારસી કે બંધ પડેલા વાહનોના કારણે સતત વધતા જોખમો સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular