પાલનપુર, 22 ઓક્ટોબર, 2026 : Scam of selling new bikes with fake spare parts શહેરમાં ઓટો ડિલર દ્વારા નવા બાઈક સહિત ટુ-વ્હીલરના ઓરિજનલ સ્પેરસ્પાર્ટ કાઢીને લઈને તેની જગ્યાએ નકલી સ્પેરપાર્ટ લગાવીને ટુ-વ્હીલર વાહનો ગ્રાહકોને વોચવાનું કૌભાંડ આરટીઓએ પકડી પાડ્યું છે. હકિકતે જીએસટીની રેડ બાદ મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ઓટો ડિલરો દ્વારા નવા વાહનોમાં સ્પેરપાર્ટ્સ બદલીને વેચાણ કરવામાં આવતું હોવાનો રિપોર્ટ અપાયા બાદ આરટીઓ દ્વારા તપાસમાં આ કૌભાંડનો પડદાફાશ થયો હતો.
સૂત્રોના કહેવા મુજબ પાલનપુરના ઓટો ડીલર દ્વારા નકલી સ્પેરપાર્ટસ લગાવેલા ટુ- વ્હિલર વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરટીઓ દ્વારા આવા 106 ટુ-વ્હિલરો કબ્જે લેવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં મહેસાણાની ઓટો એજન્સીમાંથી આ ટુ વ્હિલર વાહનો પાલનપુરમાં લાવવામાં આવતા હતા. અને પાલનપુરમાં સસ્તા ભાવે નવું ટુ-વ્હીલરનું વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
આ અંગે બનાસકાંઠાના આરટીઓ યુ. બી. સોલંકીએ જણાવ્યું હતું કે, પાલનપુરના કૈલાસ ઓટોમાંથી કંપનીના ટ્રેડ સર્ટિફિકેટ વિનાના નકલી સ્પેરપાર્ટસ લગાવવામાં આવ્યા હોય તેવા 106 નવા ટુ-વ્હીલર ડીટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો મહેસાણાના હાઈટેક ઓટોના ડીલર પાસેથી લાવવામાં આવ્યા હતા. જેમાં કંપનીના ઓરિજિનલ સ્પેરપાર્ટ્સ કાઢી તેની જગ્યાએ ડુપ્લિકેટ કે હલકી ગુણવત્તાના પાર્ટ્સ લગાવવામાં આવ્યા હોવાની ગેરરીતિ સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ વાહનોમાં ટાયર, સ્ટેન્ડ સહિતના પાર્ટ્સ બદલવામાં આવતા હતા. નકલી સ્પેરપાર્ટસ વેચતા ઓટો ડીલરોને ત્યાં તાજેતરમાં જી.એસ.ટી. વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. જેમાં પાલનપુર ઉપરાંત પાટણ, સિદ્ધપુરના પણ કેટલાક ઓટો ડીલરો આ કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. આ અંગે મહેસાણા જીએસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે. ત્યાંથી અધિકૃત અધિકારી દ્વારા હવે પછી માહિતી આપી આ ટુ- વ્હિલર ગ્રાહકોને કેટલી સસ્તી કિંમતે અપાતા હતા. કેટલા ટેક્સની ચોરી થતી હતી તે જણાવવામાં આવશે.
આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, મહેસાણાના હાઈટેક ઓટોના ડીલર ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને જાણ કરવામાં આવશે. તેમજ વાહનોમાં કથિત ગેરરીતિ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


