વ્યારા, 5 નવેમ્બર, 2026 : 3 laborers die as pickup tempo overturns રાજ્યમાં અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વ્યારાના કટાસવાણ ગામ નજીક સર્જાયો છે. પિકઅપ ટેમ્પામાં બેસીને શ્રમિકો ખેત મજુરી માટે જઈ રહ્યા હતા. ત્યારે ટેમ્પો પલટી જતા બે મહિલાઓ અને એક પુરુષ મળી કુલ ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. જ્યારે આ અકસ્માતમાં પાંચથી વધુ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે વ્યારાની યુએનએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવણ ગામ નજીક રોડ પર પીકઅપ ટેમ્પાએ પલટી ખાતા ત્રણ શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 5 થી વધુ શ્રમિકોની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પિકઅપ ટેમ્પામાં આશરે 10 જેટલા મજૂરો સવાર થઈને સવારના સમયે ખેતરમાં ડાંગર કાપવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતી વેળાએ ટેમ્પો ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલો ટેમ્પો માર્ગ પર જ ઊંધો વળી જતાં તેમાં સવાર શ્રમિકોની ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને ભારે દોડધામ મચી ગઈ હતી.
આ અકસ્માતના બનાવની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ટેમ્પા નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી. ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ ત્રણેય શ્રમિકોના પ્રાણ ઊડી ગયા હતા. સવારના સુમારે રોજીરોટી રળવા માટે ઘરબહાર નીકળેલા શ્રમિકોને કાળ ભરખી જતાં મૃતકોના પરિવારજનોમાં અને સમગ્ર પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ વ્યારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે વ્યારા પોલીસે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.


