સુરત, 20 નવેમ્બર, 2026 : Robbers robbed 5 people early in the morning શહેરના વરાછા, મહિધરપુરા અને કતારગામ વિસ્તારમાં વહેલી સવારે બાઈક પર આવેલા લૂંટારૂ શખસોએ મોર્નિંગ વોક કરવા નિકળેલા રાહદારીઓ અને વાહનચાલકો સહિત 5 નાગરિકોને લૂંટી લીધા હતા. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આ બંને બદમાશોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગણતરીની મિનિટોમાં એક બાદ એક 5 લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને લૂંટારૂ શખસોને સગડ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
શહેરના વરાછા, મહિધરપુરા અને કતારગામ વિસ્તારમાં વહેલી સવારે 5 વાગ્યે લોકો કામધંધા અર્થે કે મોર્નિંગ વોક માટે ઘરની બહાર નીકળ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ એકલા જતા રાહદારીઓ અને વાહનચાલકોને નિશાન બનાવ્યા હતા. લૂંટારુઓએ શહેરના ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનની હદમાં તરખાટ મચાવ્યો હતો. જેમાં વરાછા વિસ્તારમાં શિવપાર્ક અને લાભેશ્વર ચોક ખાતે બે લૂંટ, મહિધરપુરા વિસ્તારમાં આયુર્વેદિક કોલેજ પાસે અને સુમુલ ડેરી રોડ પર બે લૂંટ તેમજ કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ પાસે એક લૂંટ મળીને કુલ પાંચ સ્થળોએ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બાઈક પર સવાર બંને લૂંટારુઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતક હતી. રસ્તા પર જે પણ વ્યક્તિ એકલો દેખાય તેને આંતરીને ચપ્પુની અણીએ મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવતા હતા. આ દરમિયાન જે લોકોએ લૂંટનો પ્રતિકાર કરવાની હિંમત બતાવી, તેમના પર લૂંટારુઓએ ચાકુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ પાંચ લૂંટની ઘટનાઓમાં મહેશ મગન ડામોર, હેમંતભાઈ સેવકભાઈ નાયક અને લક્ષ્મણભાઈ વાળાભાઈ દરબાર નામના ત્રણ વ્યક્તિઓને ચાકુના ઘા વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ પાસે બનેલી લૂંટની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તા પર એકલો ચાલતો જઈ રહ્યો છે, ત્યારે બાઈક પર બે શખસોએ ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર વ્યક્તિ હિંમત દાખવીને પ્રતિકાર કર્યો હતો. દરમિયાન બાઈક પર બેઠેલો લૂંટારૂ શખસ સંતુલન ગુમાવતા બાઈક સાથે નીચે પટકાયો હતો. જોકે બીજો લૂંટારૂ શખસ ચાકુ વડે હુમલો કરતા અંતે તે વ્યક્તિ લાચાર બની જાય છે અને બંને લૂંટારુઓ બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
શહેરના વરાછા સહિત ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટારૂ શખ્સોનો પ્રતિકાર કરતા ઘવાયેલા ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ વરાછા, મહિધરપુરા અને કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની સાથે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી છે. પોલીસે તમામ પાંચેય ઘટનાસ્થળો અને આસપાસના રૂટના CCTV ફૂટેજ કબજે કરીને બાઈકના નંબર અને આરોપીઓના ચહેરાની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે.








