રાજકોટ, 20 નવેમ્બર, 2026 : Kharif crops including groundnuts arrive in large numbers શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. ગુરૂવારે સિઝનની સૌથી વધારે બે લાખ મણ મગફળીની આવક થઈ હતી. જેને લઈને ચારેબાજુ મગફળીનાં ખડકલા જોવા મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ 1400થી વધુ વાહનોનો ખડકલો થયો હતો. જેમાં મગફળી, સોયાબીન, કપાસ, જીરૂની સૌથી વધુ આવકો હતી. યાર્ડનાં ચેરમેનના કહેવા મુજબ ગુરૂવારે મગફળીની બે લાખ મણ જેટલી આવક થઈ છે. જે ચાલુ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ છે.
રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું આગવી હરોળનું યાર્ડ ગણાય છે. અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો ખરીફ પાકના વેચાણ માટે આવી રહ્યા છે. ખરીફ સીઝન વખતે ખાસ કરીને દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ આવકો જોર પકડતી હોય છે. આ વખતે પણ દિવાળીના 10 દિવસે આવકને વેગ મળ્યો છે. મગફળીનું ઉત્પાદન ઓછુ છે, છતા ગુરૂવારે મગફળીની નોંધપાત્ર આવક થઈ રહી છે. આ ઉપરાંત કપાસની 8000 મણ, સોયાબીનની 15000 મણ, તલની 6500 મણની આવકો મુખ્ય હતી. ઘઉંની આવક 4000 મણ, ચણાની 7200 મણ, જીરૂની 5300 મણ, અડદની 4300 મણ તથા લસણની 4300 મણની આવક હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હરરાજીમાં મગફળીના ભાવ રૂ. 1235થી 1771 સુધી રહ્યા હતા. તલના રૂ. 3050થી 3550 હતા. સોયાબીનનાં રૂ. 1390થી 1561, રાયડાના રૂ. 1450થી 1778, જીરૂના રૂ. 4800થી 5250 ચણાના રૂ. 1440થી 1140 તથા કપાસનાં રૂ. 1775 થી 1800 રહ્યા હતા. વેપારીઓનાં કહેવા પ્રમાણે રાજકોટ ઉપરાંત ગોંડલ યાર્ડમાં પણ મગફળીના ઢગલા હતા. સવા લાખ ગુણીની આવક થઈ હતી. રાજકોટ કરતાં ગોંડલમાં મગફળીની આવક વધુ થઈ હતી. ગોંડલમાં મોટાભાગની આવકના વેપાર થઈ જાય છે. જયારે રાજકોટમાં ઘણીવાર એકાદ-બે દિ પડતર રહતા હોય છે.








