અમદાવાદ, 28 નવેમ્બર, 2026 : BJP’s Sevadoot campaign ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2027માં યોજાશે. ત્યારે ભારતીય જનતા પક્ષ લોકસંપર્ક માટે વિવિધ કાર્યક્રમો આપી રહી છે. ભાજપ દ્વારા 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી 25 દિવસ રાજ્યવ્યાપી ‘સેવાદૂત અભિયાન’ ચલાવાશે. આ અંગે અભિયાનના ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 25 દિવસના સેવાદૂત અભિયાનમાં પક્ષના ધારાસભ્યો, સાંસદો, જિલ્લા-તાલુકાના નેતાઓ અને કાર્યકર્તાઓ સેવાદૂત બનીને હોમ ટૂ હોમ લોકસંપર્ક કરશે. ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરીને તેની સામાજિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરાશે.
ભાજપના પ્રદેશ અગ્રણી એવા જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ અભિયાન વિધાનસભા બેઠકદીઠ અને બૂથ સ્તરે ચલાવવામાં આવશે. દરેક જિલ્લામાં ભાજપના મહામંત્રીને અભિયાનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત અલગ-અલગ ક્લસ્ટર બનાવવામાં આવશે અને ક્લસ્ટર ઇન્ચાર્જ પણ સંકલન કરશે. અભિયાન દરમિયાન સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયેલા લોકોને શોધીને તેમને યોજનાનો લાભ અપાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
આ અભિયાન માત્ર સરકારી યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરવા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ લાભાર્થીઓની વાસ્તવિક સ્થિતિ, તેને મળતા લાભ અને તેની સમસ્યાઓનું પણ મૂલ્યાંકન કરાશે. જનભાગીદારીના માધ્યમથી લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે પણ પ્રયાસ કરાશે. અભિયાન દરમિયાન કાર્યકરો અને નેતાઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનો રિપોર્ટ તૈયાર કરાશે. આ રિપોર્ટના આધારે ભાજપ આગામી સમયમાં પોતાની સંગઠનાત્મક અને રાજકીય રણનીતિ તૈયાર કરશે.








