વડોદરા, 23 એપ્રિલ 2026: Admission of 4000 children in kindergartens confirmed જિલ્લાની શાળાઓમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ લેવા ઈચ્છતા બાળકો માટે પ્રિ-એનરોલમેન્ટ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં શિક્ષણ સમિતિમાં બાલવાટીકામાં પ્રવેશ માટે 4 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ કનફર્મ થયા છે. જ્યારે ધોરણ 1થી 8માં પણ 800 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં આગામી જૂન-2026થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. ત્યારે શૈક્ષણિક વર્ષમાં 100 ટકા નામાંકન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ-એનરોલમેન્ટ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા શાળા પ્રવેશોત્સવ પહેલા પ્રવેશપાત્ર બાળકોની ચોક્કસ સંખ્યા જાણી શકાય તે માટે આ સર્વે કરવામાં આવે છે અને ત્યારબાદ સર્વે થયેલા બાળકોનું એનરોલેમેન્ટ કરાવવા માટેના પ્રયાસો હાથ ધરાય છે. આ સર્વેમાં બાલવાટિકા અને ધોરણ– 1માં પ્રવેશ મેળવવા પાત્ર બાળકો ઉપરાંત, 5 થી 14 વર્ષ સુધીના શાળા બહારના બાળકો અને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.
વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા સર્વેની કામગીરી 3 મહિના પહેલાં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં બાલવાટીકામાં પ્રવેશ માટે 4 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ કનફર્મ કરાવી લીધા છે. ધો.1 થી 8માં 800 વિદ્યાર્થીઓ નોંધાયા છે. 30 એપ્રિલ સુધી આ કામગીરી પૂરી કરવાની છે.
જિલ્લામાં 1050 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશની સંખ્યા વધે તે માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંથી બાળકો આવતા હોવાથી ત્યાં સતત કામગીરી કરીને ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવાના પ્રયાસો કરવી પડે તેમ છે. સમિતિ દ્વારા કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રવેશોત્સવ સુધી બાળકોને પ્રવેશ અપાશે. ત્યારબાદ પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. મહત્તમ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે.


