ગાંધીનગર, 23 સપ્ટેમ્બર,2026 : Cleanliness campaign in government offices રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘સ્વચ્છતા મેં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ની થીમ સાથે શરૂ થયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત વર્ષોથી પડતર જૂની ફાઈલો, રેકર્ડ, બિનઉપયોગી સામાન, ભંગાર અને ઈ-વેસ્ટનો નિકાલ કરી કચેરીઓને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવાનો છે. મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળના સામાન્ય વહિવટ વિભાગ (જીએડી)ના ઠરાવ મુજબ રાજ્ય સરકારે સરકારી કચેરીઓને સ્વચ્છતા અંગે પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ સ્વચ્છ કચેરીઓને સન્માનિત કરવાનું પણ આયોજન કર્યું છે.
ગત 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા અને આગામી 17 ઓક્ટોબર, 2026 સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં પડતર તુમારનો નિકાલ, રેકર્ડનું વર્ગીકરણ, બિનઉપયોગી વસ્તુઓ દૂર કરવા સહિત કચેરીની સ્વચ્છતા અને સાફ-સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે. કચેરીઓમાં વર્ષોથી પડેલા બિનજરૂરી સામાનને દૂર કરીને કાર્ય માટે વધુ જગ્યા ઉપલબ્ધ કરાવવાનો પણ હેતુ છે.
અભિયાન હેઠળ સરકારી કચેરીઓની કામગીરીનું 100 ગુણના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. તેમાં તુમારના નિકાલ માટે 20 ટકા, રેકર્ડના વર્ગીકરણ માટે 30 ટકા અને ભંગાર, ઈ-વેસ્ટ તથા બિનઉપયોગી વસ્તુઓના નિકાલ સાથે કચેરીની સ્વચ્છતા/સાફ-સફાઈ માટે 50 ટકા વેઇટેજ નક્કી કરવામાં આવ્યું છે. એટલે કચેરીઓમાં પડેલા બિનઉપયોગી સામાનના નિકાલ અને સ્વચ્છતા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
સારી કામગીરી કરનારી કચેરીઓની પસંદગી Best, Emerging અને Aspiring એમ ત્રણ કેટેગરીમાં કરવામાં આવશે. સચિવાલયના વિભાગો, ગાંધીનગર ખાતે આવેલી ખાતાના વડાની કચેરીઓ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓને આ પ્રક્રિયામાં આવરી લેવામાં આવી છે. જિલ્લા કક્ષાએ કલેક્ટર અને તાલુકા કક્ષાએ મામલતદારની અધ્યક્ષતામાં કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અભિયાન હેઠળ થયેલી કામગીરીનો રિપોર્ટ 31 ઓક્ટોબર 2026 સુધીમાં મોકલવાનો રહેશે. ત્યારબાદ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કચેરીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને 30 નવેમ્બર સુધીમાં અંતિમ યાદી તૈયાર કરવાની રહેશે. પસંદ થયેલી કચેરીઓને 25 ડિસેમ્બર 2026ના સુશાસન દિવસ નિમિત્તે પ્રમાણપત્ર આપવામાં આવશે.


