અમરેલી, 2 જુલાઈ, 2026 : Cracks appeared on the bridge near Rajula on the Bhavnagar-Somnath highway ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર પ્રથમ વરસાદે મોટી તિરાડો પડી ગઈ છે. બ્રિજ પરના RCC રોડમાં સળંગ તિરાડો પડતા વાહનચાલકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. આ બ્રિજ પર થોડા દિવસ પહેલા પણ તિરાડો પડતા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરીને ‘થીંગડા’ મારવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ ફરીથી રોડ ફાટી જતાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત તેમજ નબળી ગુણવત્તાના આક્ષેપો થઈ રહ્યો છે.
ભાવનગર-સોમનાથ હાઈવે રાજુલા-જાફરાબાદ-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી પસાર થતો અત્યંત વ્યસ્ત ગણાય છે. આ હાઈવે પરથી માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દીવ અને સોમનાથ જવા માટે પસાર થાય છે. આ હાઈવે પર રાજુલા પાસે ચારનાળા બ્રિજ બન્યાને માંડ દોઢ વર્ષ અને હાઈવે તૈયાર થયાને બે વર્ષ જેટલો સમય થયો છે. બ્રિજ પર ભયજનક તિરાડો પડી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો નથી, જેને કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ થવાનો ભય છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ રાજુલા નજીક નેશનલ હાઈવે પર ચારનાળા તરીકે ઓળખાતો આ બ્રિજ બન્યાને દોઢ વર્ષ થયા છે. અને ચારથી પાંચ વાર રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. દર વખતે તંત્ર સામાન્ય મેન્ટેનન્સ કરીને સંતોષ માની લે છે, પણ હવે તિરાડોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકારે તો પૂરતું બજેટ આપ્યું છે, તો આ કઈ હદનો ભ્રષ્ટાચાર છે? જવાબદાર એજન્સીને પેનલ્ટી ફટકારી યોગ્ય કાયમી નિરાકરણ લાવવું જોઈએ જેથી કોઈનો જીવ ન જાય.


