Homeગુજરાતીગુજરાતભાવનગરમાં નકલી ઈગ્લીંશ દારૂકાંડમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

ભાવનગરમાં નકલી ઈગ્લીંશ દારૂકાંડમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

ભાવનગર, 20 ઓગસ્ટ, 2026 : Death toll in spurious English liquor scandal reaches 6 રાજ્યમાં હવે નકલી ઈંગ્લીશ દારૂ પણ વેચાઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. દારૂની પાર્ટી બાદ ત્રણ લોકોના મોત અને અનેક લોકો ગંભીર રીતે બીમાર પડતા હોસ્પિટલ ખસેડાયા હતા. અને વધુ 4ના મોત નિપજતા મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.  વરતેજ પોલીસ સ્ટેશનમાં ફેક દારૂ સપ્લાયર ગૌતમ વિરમભાઈ સોલંકી સહિત કુલ 21 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રાજ્યના પોલીસ વડાએ આ બનાવની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે.

આ બનાવની સ્ટેટ મોંનિટરીંગ સેલ (SMC)ને તપાસ સોંપ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ફરિયાદની હકીકત મુજબ આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના હેતુથી મિથેનોલ જેવા ઝેરી કેમિકલનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ તૈયાર કર્યો હતો. આરોપીઓએ રોયલ સ્ટેગ બ્રાન્ડના ખોટા સ્ટીકર લગાવી દારૂને અસલી તરીકે વેચાણ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઝેરી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહીલ, કાર્તિક મકવાણા અને નરેન્દ્રસિંહ યાદવનાં મોત થયા હતા, જ્યારે 16થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં વધુ 3નાં મોત નિપજતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે વરતેજના ગૌતમ સોલંકી ઉજ્જૈનના રઈશ નામના વ્યક્તિ સાથે સંપર્ક હતો. બંનેએ ઝુબેર સહિતના સાગરિતો સાથે મળી અમદાવાદમાંથી દારૂ બનાવવા માટે જરૂરી સામગ્રી, ખાલી બોટલો, ઢાંકણાં, સ્ટીકરો અને મિથેનોલ ખરીદ્યા હતા. ત્યારબાદ ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તૈયાર કરાયેલ જથ્થો વેચાઈ ગયો હતો, જ્યારે બીજી વખત તૈયાર કરાયેલ મિથેનોલયુક્ત ઝેરી દારૂનો જથ્થો ભાવનગરના વિવિધ બુટલેગરો મારફતે બજારમાં પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ગૌતમ સોલંકીએ પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, સંજય ચાવડા, જયદીપ મકવાણા અને ભાર્ગવ ભટ્ટ સહિતના લોકોને દારૂનો જથ્થો વેચ્યો હતો. ત્યારબાદ આ જથ્થો અન્ય બુટલેગરો અને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સમગ્ર કાવતરામાં રઈશ, ગૌતમ સોલંકી, જતીન કાંબડ, ગણેશ, અમન, મનોજ, ઝુબેર, નરેન્દ્ર યાદવ, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, મનદીપસિંહ ગોહીલ, પારસ ચુડાસમા, અર્જુનસિંહ ગોહીલ, સંજય ચાવડા સહિત કુલ 21 આરોપીઓની સંડોવણી સામે આવી છે.

આ કેસમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે કડક કાર્યવાહી કરતાં વરતેજ પોલીસ મથકના એક બીટ જમાદાર અને ત્રણ ડી-સ્ટાફના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. SMCની તપાસ હેઠળ વરતેજ પોલીસ મથકના PI દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.FSL ગાંધીનગરના રિપોર્ટમાં ઝેરી દારૂમાં મિથેનોલની હાજરીની પુષ્ટિ થતાં હવે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ અને સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ વધુ તેજ કરવામાં આવી છે. ભાવનગરના આ ડુપ્લિકેટ દારૂ કાંડને રાજ્યના તાજેતરના સૌથી ગંભીર પ્રોહિબિશન ગુનાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular