વડોદરા, 05 માર્ચ 2026: Drunk biker hits woman શહેરમાં વાહનોની તેજ રફતારને લીધે તેમજ દારૂ પીને વાહનો ચલાવાતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના ગોરવા વિસ્તારમાં નશાબાજ બાઈક ચાલકે પૂર ઝડપે રાહદારી મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. ઘટનાને પગલે ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાઈકચાલક આરોપીની ધરપકડ કરી હતી નશાની હાલતમાં ભાન ગુમાવી બેઠેલા બાઈકચાલક લવારી કરતો હતો, પોલીસે બાઈકચાલક સામે પ્રોહીબિશન અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા કરોડીયા રોડ પર રહેતા રીનાબેન હિતેશભાઈ વસાવા (ઉં.વ. 33 ), એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા. 4 માર્ચના રોજ રાત્રીના આશરે 8.45 વાગ્યાના સુમારે રીનાબેન ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા અને તેઓ મધુનગર તરફ ગયા હતા. પરત ફરતી વખતે તેઓ મધુનગર પાસેથી રોડ ક્રોસ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક બાઈકચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવીને પાછળથી અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં રીનાબેન રોડ પર પડી ગયા હતા અને તેમને માથાના કપાળના ભાગે, ડાબી આંખની પાંપણ પર, નાકના ભાગે તથા મોંના અંદરના ભાગે ઈજા થઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક પણ પોતાની બાઈક સાથે રોડ પર પડી ગયો હતો. તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ સોસાયટીના લોકો તથા તેમના પતિ હિતેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત રીનાબેનને તેમના પતિએ કારમાં બેસાડીને ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અર્થે દાખલ કરાવી હતી. હાલ તેમની સારવાર ચાલુ છે.
આ અકસ્માતમાં બાઈકચાલક આરોપી વિવેક શેરબહાદુર શ્રીવાસ્તવ (રહે. રૂષીનગર, ગોરવા પોલીસ સ્ટેશનની બાજુમાં, ગોરવા, વડોદરા) સામે ગોરવા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


