ગાંધીનગર, 14 મે 2026: Lion population has increased to 891 મુખ્યમંત્રીએ ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા IBCA સમિટ ભારત-2026ના પૂર્વાર્ધરૂપે સાસણ ગીરમાં યોજાઇ રહેલી સૌપ્રથમ પ્રિ-ઈવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી આ પ્રિ-ઈવેન્ટમાં સાસણગીર ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી તા.1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રિ-ઈવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ સાથે યોજાવવાની છે. તદઅનુસાર, સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિતા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સરક્ષણ અંગેની ઈવેન્ટ યોજાશે.
મુખ્યમંત્રીએ સાસણની આ પ્રિ-ઈવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનના વિઝનને સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ગીર સેન્ચ્યુરી અને સિંહના જતન માટે જે પગલાં લીધા તેના અનુભવ પરથી દેશમાં બિગ કેટ સંવર્ધનને વેગ મળ્યો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ આપવા સાથે પર્યાવરણ જાળવણીનો વડાપ્રધાનનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે.
સિંહ સરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રો- એક્ટિવ પ્રેક્ટિસિસને પરિણામે સિંહની વસ્તી જે 1991માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે. એટલું જ નહિ, સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સિંહોનું કુદરતી રીતે આગમન થયું છે અને સરકારના પ્રયાસોથી બરડા અભ્યારણ્ય એશિયાટીક લાયનનું નવું રહેઠાણ બન્યું છે. 24 જેટલા સિંહ આજે બરડામાં વસવાટ કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો પણ વિકાસ થાય તે હેતુથી વડાપ્રધાનએ 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, સિંહો માટે બ્રિડિંગ સેન્ટર, આઈસોલેશન સેન્ટર, સારવાર કેન્દ્ર આધુનિકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટ લાયન “બૃહદ ગીર”ના સર્વાંગી વિકાસ માટે સિંહ સંવર્ધન ઉપરાંત સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે પણ ઉપયોગી બનશે તેમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના સંદર્ભમાં જણાવ્યું કે, ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં પ્રકૃતિ પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વે હિતધારકોને એક મંચ પર લાવવા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધાર સ્તંભ રૂપ દિલ્હી ડેકલેરેશન પણ જાહેર કરવામાં આવશે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સાસણની ભૂમિ પર ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ-ઈવેન્ટ યોજાઇ રહી છે તેનો સગૌરવ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિ પર બિલાડી કુળના મુખ્ય એવા સિંહ અને દિપડો તો જોવા મળી રહ્યા છે, તેમાં ઉમેરો થતાં રતન મહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે. તે સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વાઘનો ગુજરાતની ભૂમિ પર વસવાટ કાયમી બને તેવા પ્રયાસો છે. ઉપરાંત ચિત્તાને પણ ગુજરાતમાં લાવવાની તૈયારી વિભાગ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.


