અમરેલી, 22 જુન, 2026 : Price of 20 kg cotton reaches Rs 2036 જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં શ્વેત સોના એટલે કે કપાસના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારની અસ્થિરતા અને સ્થાનિક સ્તરે સીસીઆઈ (CCI) ની ખરીદી બાદ સર્જાયેલી અછતને કારણે કપાસનો ભાવ પ્રતિ 20 કિલોએ 2036 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેને પગલે ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ પ્રતિ 20 કિલોએ 2036 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કપાસની આવકમાં ઘટાડો અને બજારમાં વધતી માંગના કારણે ભાવમાં તેજી જોવા મળી રહી હોવાનું વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના સૂત્રો કહી રહ્યા છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓના કહેવા મુજબ, છેલ્લા કેટલાક સમયથી કપાસના ભાવમાં સતત સુધારો થઈ રહ્યો છે. હાલ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1700થી 1800 રૂપિયા પ્રતિ 20 કિલો જ્યારે સારો ગુણવત્તાવાળો કપાસ 2036 સુધી વેચાઈ રહ્યો છે. બજારમાં કપાસની ઉપલબ્ધતા ઓછી થવાને કારણે વેપારીઓ વચ્ચે ખરીદી માટે સ્પર્ધા વધી રહી છે, જેના પરિણામે ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. કપાસને આંતરરાષ્ટ્રીય પાક તરીકે ઓળખવામાં આવે છે અને તેના ભાવ પર વૈશ્વિક બજારની સ્થિતિની સીધી અસર જોવા મળે છે. હાલમાં વિશ્વના કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય વેપારની અસર અને કપાસના જથ્થાની અછત જેવા પરિબળો ભાવ વધારાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કપાસની માંગ યથાવત રહેતા સ્થાનિક બજારોમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ કપાસનો ભાવ હાલમાં 1800થી 2000 રૂપિયા પ્રતિ 20 કિલો વચ્ચે નોંધાઈ રહ્યો છે, જ્યારે ઉત્તમ ગુણવત્તાવાળા કપાસને વધુ ભાવ મળી રહ્યો છે.

