ગાંધીનગર, 25 સપ્ટેમ્બર, 2026 : ‘AI Green Citizen Score’ app launched મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચ કરી છે. આ નાગરિક કેન્દ્રિત ડિજિટલ પહેલનો હેતુ લોકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તેમજ ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી ગ્રીન પહેલોને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.
AI ગ્રીન સિટિઝન સ્કોર મોબાઇલ આધારિત પર્યાવરણીય યોગદાન અને ગ્રીન એક્શન ટ્રેકિંગ સિસ્ટમ છે. આ મોબાઇલ એપનું નિર્માણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ડિજિટલ અને AI ક્ષમતાઓનો ઉપયોગ કરીને પર્યાવરણ અને આબોહવા સંબંધિત કામગીરીમાં નાગરિકોની ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.
વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “આ પ્લેટફોર્મ મારફતે નાગરિકો વૃક્ષારોપણ, કચરાનું વિભાજન અને રિસાયક્લિંગ, પ્લાસ્ટિક એકત્રિત કરવું, જળ સંરક્ષણ, પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, જાહેર પરિવહનનો ઉપયોગ, કારપૂલિંગ તેમજ સમુદાય આધારિત ગ્રીન પહેલ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. આ પ્રવૃત્તિઓ માટે નાગરિકોને ગ્રીન પોઈન્ટ્સ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ પોતાની પર્યાવરણીય પ્રવૃત્તિઓ અને એકંદર ગ્રીન સ્કોરને ટ્રેક કરી શકશે.”
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, “પ્લેટફોર્મમાં AI આધારિત સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લાગુ પડતી હોય ત્યાં ફોટોગ્રાફ્સ અને સ્થળની માહિતી સહિતની પ્રવૃત્તિઓની ચકાસણીમાં મદદ કરે છે. AI ગ્રીન આસિસ્ટન્ટ ગ્રીન પ્રવૃત્તિઓ, અભિયાનો અને ગ્રીન પોઈન્ટ્સ અંગે માર્ગદર્શન પણ આપે છે.” એપ Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે.
વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)એ જણાવ્યું કે, “આ પહેલનો હેતુ પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારીને સરળ, માપી શકાય તે રીતે અને રસપ્રદ બનાવવાનો છે. સાથે જ નાગરિકો અને સમુદાયોને દૈનિક જીવનમાં ટકાઉ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.”


