Homeગુજરાતીગુજરાતગુજરાત સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા મહેસુલી કર્મચારીઓની હડતાળનો અંત

ગુજરાત સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા મહેસુલી કર્મચારીઓની હડતાળનો અંત

ગાંધીનગર, 10 ઓક્ટોબર, 2026 : End of revenue employees’ strike ગુજરાતમાં મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચાલી રહેલી હડતાળ પાછી ખેચવાની ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય ઉચ્ચ અધિકારીઓ અને ‘ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ’ના પ્રમુખ  જામસંગ પરમાર સહિત પ્રતિનિધિમંડળ વચ્ચે સાનુકૂળ વાતાવરણમાં દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

આ સફળ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે અત્યંત ઉદાર અને સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દાખવ્યો છે. સરકારે તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી તેના ઝડપી નિરાકરણ માટે મહામંડળને ખાતરી આપી છે.

મહેસૂલ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રજાના વ્યાપક હિતમાં અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરી છે. સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહામંડળે પણ ઉદાર અભિગમ દાખવીને આંદોલન સમેટી લેવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર તરફથી મળેલી સકારાત્મક ખાતરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ  જામસંગભાઈ પરમારે આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકાર સાથેની બેઠકમાં અમારી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવી છે અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી આપવામાં આવી છે. આથી, અમે આંદોલન મોકૂફ રાખીએ છીએ અને મુખ્યમંત્રી, મંત્રીઓ તથા મહેસૂલ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img