
ગુજરાતઃ 5 વર્ષમાં GCRIમાં 25 હજારથી વધુ કેન્સરના દર્દીઓએ મેળવી સારવાર
વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે’ ઊજવવામાં આવે છે.
અમદાવાદમાં મેડિસિટી ખાતે એક સરકાર સંચાલિત હોસ્પિટલ આવેલી છે જ્યાં મોં અને ગળા સહિત તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે દેશભરમાંથી દર્દીઓ આવે છે અને અહીંયા સારવાર મેળવીને કેન્સરને હરાવીને ઘરે જાય છે.
અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતે સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ બની રહી છે. ગુજરાત સરકાર, ગુજરાત કેન્સર સોસાયટી અને GCRI ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા તેના ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જાણીતું નામ બન્યું છે.
GCRI ખાતે કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
GCRI: કેન્સર સારવારમાં અગ્રેસર નામ
અમદાવાદના સિવિલ કેમ્પસ ખાતે સ્થિત સરકાર સંચાલિત GCRI હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાત ટીમ દ્વારા દેશભરના દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડે છે. છેલ્લાં પાંચ વર્ષમાં 77,650 દર્દીઓએ અહીં સારવાર મેળવી, જેમાંથી 25,408 (33%) મોં અને ગળાના કેન્સરના દર્દીઓ હતા. આ આંકડો વ્યસન પ્રત્યે સામાજિક જાગૃતિની જરૂરિયાત પણ દર્શાવે છે.
વિનામૂલ્યે સારવાર
PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે છે. ખાનગી હોસ્પિટલોની તુલનામાં પેઇંગ દર્દીઓ માટે પણ ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો છે, જેથી કોઈ દર્દી નાણાકીય અછતને કારણે સારવારથી વંચિત રહેતું નથી.
અદ્યતન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
GCRI રેડિયેશન ઓન્કોલોજીમાં અગ્રેસર છે, જેમાં અદ્યતન ઉપકરણોનો સમાવેશ થાય છે:
– સાઇબર નાઇફ: ભારતની એકમાત્ર સરકાર સંચાલિત હોસ્પિટલમાં ઉપલબ્ધ.
– અન્ય ઉપકરણો: ત્રણ લિનિયર એસેલરેટર, ભાભાટ્રોન, ઇરિડિયમ યુનિટ, 4D CT સિમ્યુલેટર, ટ્રુબીમ લિનેક, ટોમોથેરાપી (₹95 કરોડના ખર્ચે).
આ ઉપકરણો ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથે સારવાર પૂરી પાડે છે.
GCRI માત્ર કેન્સરની સારવાર જ નહિ, પરંતુ જાગૃતિ, નિવારણ અને સંશોધનમાં પણ અગ્રેસર છે. ડો. શશાંક પંડ્યાના નેતૃત્વમાં, સંસ્થા તમાકુ જેવા વ્યસનો સામે લડવા અને દર્દીઓના જીવનમાં સુધારો લાવવા સતત પ્રયાસરત છે. વ્યસનમુક્તિ અને નિયમિત તપાસ દ્વારા આપણે કેન્સર સામેની લડાઈ જીતી શકીએ છીએ.