 
                                    ભારતે UNમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું
નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે.
ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત લાવવા બે દેશ વચ્ચે સમાધાનના અસરકારક અમલીકરણના આધારે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષનો ન્યાયી, શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ પ્રાપ્ત કરવા અને પેલેસ્ટાઇનીઓ, ઇઝરાયલીઓ અને પ્રદેશના તમામ લોકો માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે સામૂહિક પગલાં લેવા સંમતિ આપવામાં આવી હતી.ઘોષણામાં ઇઝરાયલી નેતૃત્વને સાર્વભૌમ અને વ્યવહારુ પેલેસ્ટિનિયન દેશ સહિત બે દેશો વચ્ચે સમાધાન માટે સ્પષ્ટ જાહેર પ્રતિબદ્ધતા જારી કરવા હાકલ કરવામાં આવી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

