
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો
નવી દિલ્હીઃ આગામી દિવસોમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમાવવાની છે, જો કે, સુરક્ષાના કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન જવાની નથી. ભારતની મેચો દુબઈમાં રમાશે. જો કે, તે પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની સાથે વન-ડે સિરીઝ રમશે. બીજી તરફ ભારતીય ખેલાડીઓએ ચેમ્પિયન ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આજે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યાં છે. રોહિત શર્મા જ કેપ્ટનશીપ કરશે. ઈજાના કારણોસર લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા મોહમ્મ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈના પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. જ્યારે શુભમન ગિલને વાઈસકેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની સામેની સીરિઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ચેમ્પિયન ટ્રોફી 19મી ફેબ્રુઆરીથી રમાશે. લંબાણપૂર્વકની ચર્ચા બાદ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ(વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, શ્રષણ પંત અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જસપ્રીત બુમરાહની ફિટનેસ અને ઉપલબ્ધતા અંગે કહ્યું, ‘અમે જસપ્રીત બુમરાહના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં BCCI મેડિકલ ટીમ પાસેથી તેની સ્થિતિ વિશે જાણીશું.’ ઇંગ્લેન્ડ વનડે શ્રેણી માટે બુમરાહના બેકઅપ તરીકે હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અગરકરે કહ્યું કે આશા છે કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફિટ થઈ જશે.