1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંતરરાષ્ટ્રીય શ્રમ દિનઃ ટેકનોલોજી-સંવેદનશીલતાના સંગમથી શ્રમિકોનું જીવન બન્યું સુગમ
આંતરરાષ્ટ્રીય શ્રમ દિનઃ ટેકનોલોજી-સંવેદનશીલતાના સંગમથી શ્રમિકોનું જીવન બન્યું સુગમ

આંતરરાષ્ટ્રીય શ્રમ દિનઃ ટેકનોલોજી-સંવેદનશીલતાના સંગમથી શ્રમિકોનું જીવન બન્યું સુગમ

0
Social Share

ગાંધીનગર, 30 એપ્રિલ 2026:  કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ઈમારત તેના શ્રમિકોના પરસેવા પર ચણાયેલી હોય છે. તા. ૧લી મે એટલે કે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ એ માત્ર દિવસ નથી, પરંતુ શ્રમની સાધના કરનારા કરોડો કર્મયોગીઓના ઋણ સ્વીકારનો પર્વ છે. જે અન્વયે સમગ્ર વિશ્વમાં દર વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મે માસની ૧લી તારીખે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ કે ‘મે દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત આજે શ્રમિક સશક્તીકરણની નવી પરિભાષા લખી રહ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો સુમેળ સાધીને શ્રમિકોને આર્થિક ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં દેશભરમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે.

વર્ષ ૨૦૨૫ ગુજરાતના શ્રમ ઇતિહાસમાં ઐતિહાસિક સુધારાઓનું વર્ષ રહ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી  કુંવરજી બાવાળીયાના માર્ગદર્શનમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણો ઘટાડવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘જન વિશ્વાસ બિલ’ અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક સંબંધ અધિનિયમ અને ગુજરાત દુકાન અને વાણિજ્યક સંસ્થા અધિનિયમમાં ગુનાઓના માંડવાળ અને પેનલ્ટીની જોગવાઈઓ દાખલ કરી વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવી છે. આ સુધારાઓથી વેપારીઓ અને ઔદ્યોગિક એકમો માટે કામકાજ સરળ બનશે, જેના પરિણામે શ્રમિકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.

રાજ્યના શ્રમિકોના પ્રશ્નોનું ડિજિટલના માધ્યમથી ઝડપી સમાધાન થાય તે હેતુથી કાર્યરત ‘શ્રમ સેતુ પોર્ટલ’ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા આ પોર્ટલનો લાભ રાજ્યના અનેક શ્રમયોગીઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે, જે શ્રમિકોની આર્થિક સુરક્ષા અને કલ્યાણ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.

આ ‘શ્રમ સેતુ પોર્ટલ’માં ઔદ્યોગિક શ્રમયોગીઓના ગ્રેજ્યુઈટી, પગાર વધારો કે છૂટા કરવા જેવા વિવાદો અથવા અન્ય માંગણીને લગતી અરજીઓ સરળ અને પારદર્શક રીતે ઝડપથી ચલાવવા માટે કેસ એન્ડ ક્લેઈમ મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. આ મોડયુલ થકી વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૫,૫૫૦ અરજીઓ પર પારદર્શક રીતે ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે નિરીક્ષણોથી માંડીને ક્ષતિઓની પૂર્તતા સુધીની તમામ પ્રક્રિયા ઈન્સ્પેક્શન મોડ્યુલ થકી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક સંસ્થાઓ તરફથી પૂર્તતા પણ ઓનલાઇન સ્વીકારવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫માં કુલ ૧૩,૮૧૦ ઓનલાઇન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code